• ગુરુવાર, 13 ઑગસ્ટ, 2026

એફસીઆરએ બિલ જેપીસી પાસે મોકલાયું

નવી દિલ્હી, તા. 12 : કેન્દ્ર સરકારે ચોમાસું સત્ર દરમિયાન ચાલી રહેલા હંગામા વચ્ચે એફસીઆરએ બિલને વિસ્તૃત સમીક્ષા માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. આ સમિતિના ગઠનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સંસદમાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાય દ્વારા રજૂ એક સત્તાવાર પ્રસ્તાવ હેઠળ 31 સભ્યની સમિતિમાં લોકસભાના 21 અને રાજ્યસભાના 10 સાંસદ સામેલ કરવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ પોતાની તપાસ અને સમીક્ષા બાદ રિપોર્ટ સંસદના આગામી શિયાળુ સત્રનાં પહેલાં સપ્તાહના અંતિમ દિવસ સુધીમાં લોકસભામાં રજૂ કરવો પડશે. 25 માર્ચ, 2026ના લોકસભામાં રજૂ કરવામાં આવેલું એફસીઆરએ બિલ વિદેશી દાન મેળવતી સંસ્થાઓના નિયમન સંબંધિત છે. જો કે આ બિલનો ભારે વિરોધ થયો હતો. બીજી તરફ સંસદમાં સતત ગતિરોધ પણ ચાલી રહ્યો છે. સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઈ રહી છે. તેમ છતાં સરકારે આ સત્રમાં અત્યારસુધીમાં 19 બિલ પસાર કરાવ્યા છે. એક સમયે તો માત્ર 36 મિનિટમાં જ સાત બિલ પાસ થયા હતા. એટલે કે દર પાંચ મિનિટે એક બિલ પસાર થયું હતું. અમુક બિલમાં સંશોધન પ્રસ્તાવિત હોવાનાં કારણે થોડો વધારે સમય લાગ્યો હતો. કોંગ્રેસ સાંસદ કે. સી. વેણુગોપાલે ખરડાને લઘુમતીઓ અને એનજીઓ વિરોધી ગણાવ્યું હતું, તો સંસદિય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આરોપો નકારીને જણાવ્યું હતું કે, તે કોઇ લઘુમતી સમુદાયને નિશાન બનવાનું નથી. લોકસભામાં 15 દિવસમાં માત્ર 15 કલાક અને 36 મિનિટ જ કામકાજ થયું છે જ્યારે રાજ્યસભામાં 24 કલાક અને 21 મિનિટ કામ થયું છે. જો દરરોજ છ કલાકની કાર્યવાહી માનવામાં આવે તો 15 દિવસમાં 90 કલાક કામ થવાની જરૂર હતી. જો કે હંગામાને કારણે આંકડો ખૂબ જ ઓછો રહ્યો છે. સત્રમાં સૌથી વધારે પ્રશ્નકાળ પ્રભાવિત થયો છે. જે થઈ શક્યો જ નથી. સાંસદોને સવાલ પૂછવાની તક મળી નથી. જેના ઉપર લોકસભા અધ્યક્ષ પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

Panchang

dd