નવી દિલ્હી, તા. 12 : દેશની ખાનગી
હોસ્પિટલોમાં મોંઘી સારવાર અંગે ચિંતા વ્યક્ત કરતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણની સંસદીય
સ્થાયી સમિતિએ બુધવારે ભારપૂર્વક ભલામણ કરી હતી કે,
ખાનગી હોસ્પિટલોના દર તર્કસંગત બનાવવાની જરૂર છે. સમિતિએ જણાવ્યું હતું
કે, મહાનગરોમાં ખાનગી હોસ્પિટલોના ભાડાં થ્રી સ્ટાર હોટલના રૂમના
સરેરાશ ભાડાથી વધારે ન હોવા જોઈએ. સ્વાસ્થ્ય સેવાઓને સસ્તી બનાવવા માટે આવી ભલામણ કરતાં
સંસદીય સમિતિએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલોના દરને તાત્કાલિક
નીચા લાવવાની જરૂર જણાય છે. હોસ્પિટલોએ ખાસ આર્થિક સલાહકાર નિયુક્ત કરવા જોઈએ,
જે કોઈ પણ દર્દીને સારવાર પર થનાર ખર્ચ, સંસ્થાગત
મદદ અને આરોગ્ય વીમાની સમજણ આપીને મદદરૂપ બને, તેવી ભલામણ સંસદીય
સમિતિએ કરી હતી. સમિતિએ કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) હેઠળ મળતા યોગદાનમાંથી
રાષ્ટ્રીય આરોગ્ય સંભાળ ભંડોળ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો.