પેરિસ, તા. 18 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસમાં
ભારતીય સમુદાયને સંબોધતાં કહ્યું હતું કે, 12 વર્ષના મારા કાર્યકાળ દરમિયાન
ભારતનો જીડીપી બમણો થઈ ગયો છે અને તે વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ફોન ઉત્પાદક દેશ
છે. મોદીએ કહ્યું હતું કે, `ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય
અર્થવ્યવસ્થા છે. છેલ્લાં 12 વર્ષમાં, દેશના 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર
કાઢવામાં આવ્યા છે. 12 વર્ષમાં, અમે ફ્રાન્સમાં કુલ ઘરો કરતાં વધુ જરૂરિયાતમંદ
લોકો માટે કાયમી ઘરો બનાવ્યાં છે. હવે, દરેક પરિવાર, ભલે ગમે તેટલો ગરીબ હોય, તેનું બેંક ખાતું છે.' મોદીએ જણાવ્યું હતું કે, `છેલ્લાં 12 વર્ષમાં ભારતનો જીડીપી બમણો
થયો છે. એરપોર્ટની સંખ્યા બમણી થઈ છે. યુનિવર્સિટીઓની સંખ્યા પણ બમણી થઈ છે. હાઇ-વે
બાંધકામની ગતિ ત્રણ ગણી થઈ છે. મેટ્રો નેટવર્ક ચાર ગણું થઈ ગયું છે. આજે, ભારતની ગાથા ફક્ત આર્થિક પ્રગતિની વાર્તા નથી.
તે સામાજિક પરિવર્તનની પણ વાર્તા છે. તેમણે કહ્યું હતું કે, `આ 12 વર્ષની સિદ્ધિઓમાં, એક એવી સિદ્ધિ છે જે કોઈ પણ આંકડા કે સંખ્યા દ્વારા માપી શકાતી નથી તે છે 1.4 અબજ ભારતીયોનો આત્મવિશ્વાસ.
આજનું ભારત અને તેના યુવાનો મોટાં સપનાં જોઈ
રહ્યાં છે. ભારતના ખેડૂતો નવી શક્યતાઓ સાથે આગળ વધી રહ્યા છે. ભારતની મહિલાઓ નવાં નેતૃત્વનું
પ્રદર્શન કરી રહી છે.' પીએમ મોદીએ
કહ્યું હતું કે, `આ ભારતની
આકાંક્ષાઓનો એક નવો યુગ છે. જ્યાં વીજળી પહોંચી છે,
લોકો ફક્ત વીજળી જ નહીં સ્માર્ટ લાવિંગ ઇચ્છે છે.