• શુક્રવાર, 19 જૂન, 2026

રોજગારનો વિનાશ કરીને રોડનો તકલાદી વિકાસ અસ્વીકાર્ય

ગાંધીધામ, તા. 18 : ગાંધીધામમાં ઠેરઠેર ખોદકામ તથા નબળી ગુણવત્તાનાં કામો અને અલગ-અલગ જગ્યાઓ ઉપર રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતનગરમાં પણ લેવલિંગ વગર બનેલાં નાળાં સહિતની કામગીરી વ્યાપક મુશ્કેલીઓ સર્જી રહે છે. રોજગારનો વિનાશ કરીને રોડનો વિકાસ થાય એ અયોગ્ય અને અસ્વીકાર્ય છે તેમ કહીને ભારતનગર વેપારી એસોસીએશને મેયરને સમસ્યાઓથી અવગત કર્યા હતા અને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. વેપારી એસોસીએશને પત્ર પાઠવીને ભારતનગરમાં રોડથી બે ફૂટ ઊંચાં નાળાંઓ બનાવવામાં આવતાં ગલીઓના માર્ગો બંધ થઈ ગયા છે. વેપારી સંગઠન દ્વારા શરૂઆતથી જ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્રએ તેને ધ્યાને લીધું નથી. હવે આ નાળાંઓ વરસાદી પાણીના નિકાલમાં ઉપયોગમાં આવશે કે નહીં તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત તુલસી ટાવરથી ભારતનગર વોર્ડ ઓફિસ સુધી જે માર્ગ બની રહ્યો છે તેમાં દેખરેખનો અભાવ છે. એન્જિનીયરોએ નિરીક્ષણ કરવા આવતા નથી, ડિવાઈડર નથી, એટલે લાઈટ ક્યાં લગાડવામાં આવશે તે એક મોટો પ્રશ્ન છે. આ રોડ ઉપર સ્ટ્રીટલાઈટ જરૂરી છે તેમજ સ્પીડ બ્રેકર પણ યોગ્ય માપદંડો સાથે બનાવવામાં આવે અને સફેદ પટ્ટા મારવામાં આવે તેવી માંગ કરી છે. જનતા ગોલાઈથી ગોપાલપુરી ગેટ સુધી, ગોપાલપુરી રેલવે સ્ટેશનથી રાજવી ફાટક સુધીનો માર્ગ બિસમાર છે. નવો બનાવો શક્ય ન હોય તો પેચવર્ક કરાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોપાલપુરીની દીવાલ પાસે આડેધડ મોટાં વાહનો પાર્ક થઈ રહ્યાં છે, તેના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભારતનગર વોર્ડ ઓફિસથી સુંદરપુરી પાણીના ટાંકા સુધીનો માર્ગ ખુલ્લો કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વિકાસનાં નામે ભારતનગરમાં વર્ષોથી અન્યાય થયો છે. શહેર મહાનગરમાં પરિવર્તિત થયું છે એટલે યોગ્ય વિકાસ થશે તેવી અપેક્ષાઓ લોકો રાખે છે, પરંતુ ગુણવત્તાયુક્ત કામો થતાં ન હોવાનું જણાવ્યું હતું. વેપારીઓ ક્યારેય વિકાસના વિરોધી રહ્યા નથી, પણ રોજગારનો વિનાશ કરીને રોડનો વિકાસ થાય તે તદ્દન અયોગ્ય ને અસ્વીકાર્ય છે. વેળાએ વેપારી એસોસીએશનના પ્રમુખ ત્રિલોક મંગલાણી, સેક્રેટરી સુનીલ પારવાણી, મિતેષ સોની, સુરેન્દ્ર છબલાની, પ્રદીપ પારવાણી, જિજ્ઞેશ મકવાણા, જયેશ ઠક્કર, સુનીલ ગોપલાની, હાર્દિક ઠક્કર, સુરેશ ધનવાની સમેત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. - જીયુડીસીએ રસ્તાઓ ખરાબ કરી નાખ્યા : નલ સે જલ યોજનામાં જીયુડીસીએ પાઇપલાઇન નાખવામાં ભારતનગરના રસ્તાઓ ઉપર ખોદકામ કરીને પેવર બ્લોક તોડી નાખ્યા છે અને રસ્તા ઉપર મૂકી દીધા છે, જેનાં કારણે લોકોને વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદમાં પાણીથી માટી બેસી જશે એટલે ખાડાઓ પડવાની સંભાવનાઓ છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર ચોમાસાંમાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે યોગ્ય પગલાં ભરે અને જીયુડીસી પાસે કામ કરાવે તેવી માંગ વેપારીઓએ કરી હતી. 

Panchang

dd