• શુક્રવાર, 19 જૂન, 2026

આદિપુરમાં પીવાનાં પાણીની ગંભીર કટોકટીથી લોકો ત્રસ્ત

આદિપુર, તા. 18 :  અહીં ઉનાળાનો ધમધખતો તાપ અને અસહ્ય ગરમી વચ્ચે પીવાનાં પાણીની ગંભીર કટોકટી સર્જાતાં લોકો પાણી વગર તરસી રહ્યા છે. ઘણા લાંબા સમયથી સમસ્યાનું સમાધાન ન થતાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહાપાલિકા દ્વારા પાણીપુરવઠા તંત્રને રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ નિવેડો લાવી શકાતો ન હોવાથી  સ્થિતિ કફોડી બની છે. પદાધિકારીઓની બોડી  રચાઈ ગયાને સમય થયો છે અને શહેરની સમસ્યાથી અધિકારીઓ, પદાધિકારીઓ વાકેફ હોવા છતાંય ઉકેલ  ન આવતો  હોવાથી લોકોની હાલત કફોડી બની છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પીવાનાં પાણીની ગંભીર સમસ્યા છે, લોકો કોર્પોરેશન સુધી પહોંચે છે, રજૂઆતો કરે છે, પણ સમસ્યાનું સમાધાન આવતું નથી. અધિકારીઓ પાણી પુરવઠા બોર્ડના જવાબદારોનો સંપર્ક કરે છે, પાણીનો જથ્થો વધારે આપવાની માંગ કરે છે. ગાંધીધામ સંકુલમાં બેઠેલા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ `હા હા પ્રયાસ કરીએ છીએ' તેવા જવાબો આપે છે, અધિકારીઓથી સમસ્યાનું સમાધાન આવે તેવી સંભાવના નહીંવત છે, તેવામાં જનપ્રતિનિધિઓની જવાબદારી વિશેષ બને છે. સ્થાનિકે જિલ્લા લેવલ સુધીમાં સમસ્યાનું સમાધાન ન આવે, તો સરકારમાં જવું જોઈએ તેવું જાણકારો જ  કહી રહ્યા છે. મહિનાઓની સમસ્યા  છતાં તંત્રનાં પેટનું પાણી હાલતું ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.  કોર્પોરેશનના અધિકારીઓ સવારે વરસામેડી સુધી પહોંચ્યા હતા ત્યાં પાણીનો જથ્થો આવતો નથી પાણી પુરવઠા બોર્ડને આ બાબતે પૂછવામાં આવ્યું, તો ઉપરથી બંધ છે, લાઈનમાં સમસ્યા છે તેવા વિવિધ પ્રકારના જવાબો આપવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. ગરમીમાં લોકો પાણી વગર તરસી રહ્યા છે, આદિપુરના અનેક વિસ્તારોમાં  આઠ દિવસથી પાણી મળ્યું નથી, ગંભીર કટોકટી છે છતાં જવાબદારો કોઈ પગલાં ભરતા નથી. આ પરિસ્થિતિનો તાકીદે નિવેડો લાવવા ભારપૂર્વકની માંગ કરાઈ છે. - શિણાય ડેમનું પાણી આદિપુર સુધી લઈ જવાનું આયોજન : ગાંધીધામ, તા. 18 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરો અને ગ્રામીણ વિસ્તાર પીવાનાં પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે તેવામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો અપાતો નથી, જેને લઇને હવે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. એટલા માટે જ શિણાય ડેમથી આદિપુર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન નાખવા સહિતની કામગીરીનું આયોજન ઘડાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ ત્રણથી ચાર મહિનાનો સમય નીકળી જાય તેવી સંભાવના છે. - આદિપુરમાં મહિલાઓનો વિરોધ : પાણી નહીં, તો વોટ નહીં : ગાંધીધામ, તા. 18 : આદિપુરના વોર્ડ નંબર ત્રણમાં છ  દિવસથી પાણી  ન આવતાં ઉનાળાના આકારા સમયમાં લોકોની હાલત ભારે કફોડી બની છે. રોષે ભરાયેલી મહિલાઓએ પાણીના ટાંકા ઉપર પહોંચી  હતાં જો કે ત્યાંથી માણસો ભાગી ગયા હતા. બાદમાં આશાપુરા મંદિર ખાતે એત્ર થઈ સુધરાઈ સભ્ય ચાંદનીબેન ક્રીપલાણીનાં ઘરે રજૂઆત  કરી હતી. આ દરમ્યાન મહિલાઓએ વોટ માગવા આવ્યા, ત્યારે વચનો આપવામાં આવતાં હતાં. જો પુરતું પાણી નહીં અપાય, તો વોટ પણ નહીં અપાય તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો.   વોર્ડ-3ના મહિલા સુધરાઈ સભ્ય સામે પણ રોષપૂર્વક રજૂઆત કરી હતી અને જો સ્થિતિ નહીં સુધરે, તો  ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી આપી હતી. 

Panchang

dd