• ગુરુવાર, 14 મે, 2026

મમતાનો દાવ વિફળ; વિજયનો પેચ ફસાયો

પ. બંગાળના રાજ્યપાલે કાર્યકાળ પૂરો થતાં કેબિનેટ વિખેરી : મમતા હવે મુખ્યમંત્રી નહીં : ભાજપ દ્વારા શપથગ્રહણની તૈયારી : કોલકાતા, તા. 7 : આઝાદ દેશના ઇતિહાસમાં પહેલીવાર કોઇ મુખ્યમંત્રીની પદ નહીં છોડવાની `રાજહઠ' વચ્ચે આખરે આજે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ આર. એન. રવિએ વિધાનસભા ભંગ કરી દીધી હતી. આમ, હવેથી મમતા બેનર્જી મુખ્યમંત્રી નથી. બંગાળની ચૂંટણીમાં કારમી હાર પછી પણ રાજીનામું આપવાના ઇન્કાર બાદ રાજ્યપાલે આજે વિધાનસભાનો કાર્યકાળ ખતમ થઇ જતાં બંગાળનું આખું મંત્રીમંડળ બરખાસ્ત કરી દીધું હતું. ખાસ વાત એ છે કે, રાજીનામાં પર જારી રાજકીય ખેંચતાણ વચ્ચે વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય પૂર્ણપણે બંધારણીય પ્રક્રિયા હેઠળ લેવાયો છે. આ ફેંસલા સાથે 15 વર્ષના તૃણમૂલ યુગનો બંગાળમાં વિધિવત અંત આવ્યો છે. લોકભવનમાંથી ગુરુવારની સાંજે વિધાનસભા ભંગ અંગે સત્તાવાર જાહેરનામું જારી કરી દેવાયા બાદ હવેથી મમતા કે તેમના કોઇ પણ મંત્રી પાસે કોઇ જ સત્તા નહીં રહે. હવે જ્યાં સુધી નવી સરકાર નહીં રચાય ત્યાં સુધી રાજ્યનો વહીવટ રાજભવનની દેખરેખ હેઠળ રહેશે. આ રાષ્ટ્રપતિ શાસન નથી, પરંતુ એક વચગાળાની વ્યવસ્થા છે. દરમ્યાન, રાજધાની કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં ભાજપ સરકારના શપથગ્રહણની તૈયારીઓ જોશભેર શરૂ થઇ ચૂકી છે. કાલે શુક્રવારે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક થશે, જેમાં મુખ્યમંત્રીનાં નામનું એલાન કરાશે. નવમી મે, શનિવારની સવારે શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહની સાથોસાથ ભાજપ અને એનડીએના મુખ્યમંત્રીઓ જોડાશે. ગેઝેટ નોટિફિકેશન અનુસાર રાજ્યપાલે ભારતીય બંધારણના અનુચ્છેદ 174 (2) (બી) હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કર્યો હતો. આ નોટિફિકેશન ઉપર બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાના હસ્તાક્ષર હતા. પૂર્વ કેન્દ્રીય સચિવ જવાહર સરકાર અનુસાર બંગાળમાં વર્તમાન સ્થિતિ કોઈ રાષ્ટ્રપતિ શાસન નથી પણ એક વચગાળાની વ્યવસ્થા છે. જ્યાં સુધી નવી સરકાર શપથ નહી લે ત્યાં સુધી રાજ્યપાલ જ શાસનની કમાન સંભાળશે. એટલે કે નવમી મે  સુધી બંગાળનું કામકાજ રાજભવનની દેખરેખમાં થશે. બંગાળમાં ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ ગુરૂવારે રાત્રે કોલકાતા પહોંચ્યા હતા. ગૃહમંત્રીનો આ પ્રવાસ ખુબ જ મહત્વનો માનવામાં આવે છે. કહેવાય છે કે નવી સરકારના ગઠન અને નવમી મેના પ્રસ્તાવિત શપથ ગ્રહણની તૈયારીઓની ગૃહમંત્રી શાહ સમીક્ષા કરશે.આ અગાઉ ચૂંટણી પરિણામ જનાદેશ નહી પણ સાજિશ હોવાનો આરોપ મુકીને મમતા બેનરજીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો હતો. જેનાથી રાજ્યમાં સંવૈધાનિક અનિશ્ચિતતા અને રાજનીતિક ટકરાવની સ્થિતિ બની હતી. બેનરજીએ પરિણામને મનઘડંત ગણાવી દીધા હતા અને હાર માનવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. જો કે હવે મમતા બેનરજીની સરકારને બંધારણની જોગવાઈઓ હેઠળ ભંગ કરી દેવામાં આવી છે. -  રાજ્યપાલે ટીવીકેનો દાવો ફરી નકારતાં વિરોધી પક્ષોનો વિજયને સાથ : અન્નાદ્રમુકના 28 ધારાસભ્ય પોંડિચેરી ખસેડાયા : નવી દિલ્હી, તા. 7 : તામિલનાડુની રાજકીય લડાઈમાં એક વિચિત્ર વળાંક આવ્યો છે. જેમાં સરકાર બનાવવાની કોશિશો કરતાં અને રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકરે જેને 118 ધારાસભ્ય સમર્થનનો પત્ર આપવાનો આગ્રહ કર્યો છે તે ટીવીકેનાં વડા થલાપતિ વિજયને હવે ડીએમકે, વીસીકે, સીપીઆઈ અને એમએનએમ જેવા વિરોધી પક્ષોનો સાથ પણ મળી ગયો છે. જો કે આ પક્ષોનો સાથ મળવા છતાં વિજયની સરકારનો પેચ ફસાયો છે. વાસ્તવમાં આ પક્ષોએ વિજયને સરકાર બનાવવાનું આમંત્રણ નહીં આપતા રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર ઉપર નિશાન સાધવા માટે ટીવીકેનો સાથ આપવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્યપાલ વિરોધી લડાઈમાં આ દળોને વિજયનો સાથ મળ્યો છે. દરમ્યાન એવા પણ અહેવાલ છે કે અન્નાદ્રમુકમાં પણ ભંગાણ પડયું છે અને 28 ધારાસભ્ય વિજયના સમર્થનમાં છે અને પોંડિચેરીના એક રિસોર્ટમાં રોકાયા છે. ચૂંટણી પરિણામ આવી ગયાને 72 કલાકથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન બે દિવસમાં વિજય બે વખત ગવર્નરને મળી ચૂક્યા છે અને બન્ને વાર લોકભવનથી તેમને સરકાર બનાવવાનું નિમંત્રણ મળી શક્યું નથી. આનાથી તામિલનાડુનાં રાજકીય પક્ષો ભડક્યા છે. આને તામિલનાડુનાં જનાદેશનું અપમાન ગણાવવામાં આવી રહ્યું છે. આમાં સૌથી રસપ્રદ બાબત એ જોવા મળી રહી છે કે સામાન્ય રીતે એકબીજાનાં ઘોર વિરોધી રહેતા ઘણાં પક્ષો પણ હવે ખુલીને સામૂહિક રીતે વિજયને સમર્થન કરી રહ્યાં છે. આ પક્ષોએ રાજ્યપાલનાં આચરણને અસ્વીકાર્ય અને જનાદેશનું અપમાન ગણાવ્યું છે. તો એકબીજાના કટ્ટર વિરોધી ડીએમકે અને એઆઇએડીએમકે વચ્ચે પણ સરકાર રચવા માટે ગઠબંધન માટે ચર્ચા શરૂ થઇ છે. ઉલ્લેખનીય છે કે, વિજયનાં પક્ષ ટીવીકે પાસે 108 બેઠક છે. બહુમતનાં 118નાં આંકડા સુધી પહોંચવા માટે તેને 10 ધારાસભ્યની જરૂર છે. પાંચ  ધારાસભ્યો સાથે કોંગ્રેસનાં ટેકાથી તેની પાસે 113નો આંકડો થઈ ગયો છે પણ હજી ય પાંચ અંક ઘટે છે. રાજ્યપાલે વિજયને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તામિલનાડુનાં મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા બહુમત સાબિત કરવો પડશે. જેની સામે વિજય અને અન્ય પક્ષોનો તર્ક એવો છે કે, મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્ય વિધાનસભામાં તેમણે બહુમત સાબિત કરવો જોઈએ, લોકભવનમાં નહીં. વિજયનાં પક્ષે મોરચો સંભાળવામાં સૌથી આગળ તેમનાં સાથી અભિનેતા-રાજનેતા કમલ હાસન છે. તેમણે વિજયને સરકાર બનાવવાનું આમંત્રણ નહીં આપીને રાજ્યપાલ જનાદેશનું અપમાન કરે છે. 

Panchang

dd