ભુજ. તા. 28 : ભારત પોલિયો
મુક્ત હોવા છતાં પડોશી દેશોમાં જોવા મળતી તેની અસરના કારણે પ્લસ પોલિયો ઝુંબેશ અંતર્ગત
ગોઠવાયેલી વ્યવસ્થાને પગલે કચ્છ આ કામગીરીમાં અવ્વલ નંબરે આવે છે તેવો ઉલ્લેખ જ્યુબિલી
ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લાની પોલિયો ઝુંબેશને સ્ટાર્ટ આપતાં કરાયો હતો. રોટરી ડિસ્ટ્રીક્ટ-3055ના ગવર્નર શ્યામકુમારે આંતરરાષ્ટ્રીય
લેવલે રોટરીની ભૂમિકાને લીધે પોલિયો નાબુદી શક્ય બની હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્ય
કેશુભાઇ પટેલે ગુજરાત સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા સાથે રોટરી જેવી સંસ્થાઓનાં
મળતા સહકારની સરાહના કરી લોકોએ આ ઝુંબેશમાં જોડાવવા અપિલ કરી હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ
સર્કલ ખાતે યોજાયેલા પોલિયો સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં વિગતો આપતાં જિલ્લા આરોગ્ય અધિકારી
ડો. એમ. એન. ભંડારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના 10 તાલુકાનાં
67 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના
નેજા હેઠળ કુલ 1,506 જેટલાં બૂથ ઊભા કરવામાં આવ્યાં
છે, જ્યા 6,024 જેટલા કર્મચારી વર્કરો સતત
સેવા આપશે. વિશેષમાં 173 મોબાઇલ બૂથો
પણ કાર્યરત રહેશે અને 3.15 લાખ બાળકને
ડોઝ પીવડાવાશે. પૂરક વિગતો આપતા જિલ્લા રસીકરણ અધિકારી ડી. પી. પટેલે ભુજ ખાતે 105 જેટલા બૂથ કાર્યરત થયાં હોવાનું
જણાવ્યું હતું. ભુજના નગરપતિ શીતલ શાહે બૂથ ખાતે બાળકોને પોલિયો ડોઝ પીવડાવી સમગ્ર
અભિયાનને શુભેચ્છા પાઠવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી ડો. રવિકુમારે કોઈ બાળકો રહી ન
જાય તે જોવા અપીલ કરી હતી. કલેક્ટર અનિલ રાણાવસિયા તથા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ
ગૌતમે પોલિયો અભિયાનને શુભેચ્છા પાઠવી હતી. કચ્છ ભાજપ ભુજ શહેર પ્રમુખ મીત ઠક્કર, ભુજ સુધરાઈના કારોબારી ચેરમેન કમલ ગઢવી,
દંડક રૂપલ ચાવડા. મયંક રૂપારેલ વિગેરેએ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું
પાડી પ્રોત્સાહિત કર્યા હતા. પ્રારંભે કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ ડો.
નવઘણ આહીરે આવકાર આપ્યો હતો. પ્રો.ચે. પ્રફુલ્લ ઠક્કરે પોલિયો નાબુદી માટે વિશ્વમાં
54 હજાર કરોડ રૂપિયા રોટરી દ્વારા
વપરાયા હોવાનો ઉલ્લેખ કરી, કચ્છમાં પણ
તમામ ક્લબ સક્રિય હોવાનું જણાવ્યું હતું. ઉચ્ચ વહીવટી વડાઓ અને પદાધિકારીઓનું સન્માન
નીલેશભાઇ અરજણ, વાલજી આહીર, અસરફ મેમણ દ્વારા
કરાયું હતું. સંચાલન અને આભારવિધિ ડો. ઉર્મિલ હાથીએ કરી હતી. વ્યવસ્થા વિજય ઠક્કર,
ક્રિષ્ના ખત્રી વિગેરેએ સંભાળી હતી. રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ દ્વારા
પોલિયો સેવા કાર્ય : રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા પીએચસી-3, ભુજ (બીએસએફ) કેમ્પ સામે, ઝોન-5 ખાતે પોલિયો અભિયાનમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ માટે અંદાજે
100 ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઈ
હતી. ઉપરાંત પોલિયોના ટીપાં પીવા આવેલા નાના બાળકોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટ વિતરણ કરાયું
હતું. આ પ્રસંગે રોટરી કેપિટલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રામદેવસિંહ જાડેજા, ભુજ કેપિટલના પ્રમુખ ભાવેશભાઈ ભગત, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ કેશવાણી, પ્રો.ચે. ધીરેનભાઈ ઠક્કર,
સેક્રેટરી કિંતુર છાયા તેમજ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ડો. વૈશાલીબેનના
માર્ગદર્શન હેઠળ આશરે 90થી 100 જેટલો નર્સિંગ અને આરોગ્ય સ્ટાફ
વિવિધ પોલિયો બૂથ પર ફરજ બજાવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. મોટી વિરાણી ખાતે પોલિયો
અભિયાન : વિરાણી મોટી ગામમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ડો. એ.કે. પ્રસાદ (ટીએચઓ), ડો. કાજલબેન (એમઓ), જયેશભાઈ પટેલ, છગનભાઈ ઠક્કર, સામાબેન બળિયા, સવિતાબેન
સોલંકી, મામદભાઈ તેમજ ગામના અગ્રણી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
વિરાણી મોટી સ્ટાફ હાજર રહ્યા હતા. ભુજના બસ સ્ટેશને પોલિયોનો ડોઝ અપાયો : રાષ્ટ્રીય
પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત ભુજ બસ સ્ટેશન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત થયેલા
બૂથ હેઠળ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. બસ સ્ટેશન ખાતે
મુસાફરોના બાળકોને પણ ટીપાં પીવડાવી અભિયાનને સફળ બનાવવા પ્રયાસ કરાયો હતો. આરોગ્ય
કર્મચારીઓએ વાલીઓને પોલિયો સામે રક્ષણ માટે દરેક રાઉન્ડમાં ટીપાં પીવડાવવા અપીલ કરી
હતી.