• સોમવાર, 29 જૂન, 2026

કોટડા (જ.)માં દબાણ પર બુલડોઝર ફર્યું

કોટડા (જ.) (તા. નખત્રાણા), તા. 28 : આજ સવારથી ગામમાં તંત્રે સપાટો બોલાવી નાનાં-મોટાં અઢાર જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાતાં સોપો પડી ગયો હતો. હજુ પણ દબાણો દૂર થશે, તેવી વિગતો મળી છે.  છ દિવસ પહેલાં નોટિસ આપ્યા બાદ આજે વહેલી સવારે વહીવટી તંત્રે સપાટો બોલાવીને આઠ પાકી દુકાન, ત્રણ ચાની હોટલ, ત્રણ કેબીન, એક પાકું મકાન, એક ધાર્મિક સ્થાનની દીવાલ અને બે ઓટલા સહિત અઢાર જેટલાં કાચાં-પાકાં દબાણો દૂર કરાયાં હતાં. નખત્રાણા પોલીસના સઘન બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આજની દબાણ હટાવ કામગીરીમાં ઘણા દબાણકારોનો આક્ષેપ છે કે, અમને નોટિસ પણ આપવામાં નથી આવી અને અમારી દુકાનનો માલ-સામાન પણ વેરવિખેર થઈ ગયો છે. રહીમા મા નામના એક નિરાધાર વૃદ્ધાએ જણાવ્યું હતું કે, અમને આ પાકી દુકાન સગા-સંબંધીઓએ બનાવી આપી હતી અને નોટિસ આપ્યા વગર આ નિરાધાર વૃદ્ધાની આધાર સમાન દુકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવી હોવાની વેદના વ્યક્ત કરી હતી. આ દબાણ હટાવ કાર્યવાહી અવિરત ચાલુ રહેશે, તેવું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આગામી રવિવારે અન્ય દબાણો દૂર કરવામાં આવશે, જેની મૌખિક નોટિસ આજે અધિકારીઓ દ્વારા દુકાનદારોને અપાઈ ગઈ હોવાની માહિતી આપી છે. 

Panchang

dd