ભુજ/ગાંધીધામ, તા. 28 : ભુજ તાલુકાના
ચુબડક સીમમાં ગંઢેર ત્રણ રસ્તા પાસે ગઇકાલે બપોરે બાઇકને પાછળથી કારે ટક્કર મારતા બાઇક
ચાલક બાવન વર્ષીય આધેડ મૂળ સોમનાથ બાજુના નાનુભાઇ કરશનભાઇ બાંભણિયાનું માથામાં ગંભીર
ઇજાના પગલે મોત નીપજ્યું હતું. ગળપાદરથી ભચાઉ જતા ધોરી માર્ગ પર મચ્છુનગર પુલના વળાંક
પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા શૈલેન્દ્ર સાંખલા નામના આધેડનું મોત થયું હતું. જ્યારે
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ગઇકાલે 17 વર્ષીય કિશોરી એવી દીપિકા અશોક માતંગે ગળેફાંસો ખાઇ આપઘાત કરી
લેતા અરેરાટી વ્યાપી હતી. અંજાર-ભુજના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચુબડકની સીમમાં ગંઢેર
ત્રણ રસ્તા પાસે ગઇકાલે બપોરે 3-30 વાગ્યે મૂળ
ગીર સોમનાથ જિલ્લાના હાલે ફળોના બગીચાના કામ માટે મજુરો લઇને આવેલા નાનુભાઇ બાંભણિયા
તેના કબજાની બાઇક નં. જી.જે. 32 એમ 7745 વાળીથી રતનાલથી ભુજ જતા હતા
ત્યારે પાછળથી આવેલી કાળી બલેનો કાર નં. જી.જે. 12 એફએચ 0920 વાળાએ પોતાની
ગાડી પૂરપાટ-બેદરકારીથી ચલાવી ભટકાવી અકસ્માત સર્જતા નાનુભાઇને માથા તથા મોઢાના ભાગે
ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર
દરમ્યાન મોત નીપજ્યું હતું. નાનુભાઇના પુત્રે નોંધાવેલી ફરિયાદના આધારે પદ્ધર પોલીસે
કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. - એક કલાક પહેલા જ પત્ની સાથે ફોન પર વાત કરી 'તી : આ બનાવની કરુણતા એ છે કે, બપોરે અઢી વાગ્યે હતભાગી નાનુભાઇએ તેમના પત્ની
જીણુબેન સાથે રતનાલમાં બેસીને વાત કરી હતી અને જણાવ્યું કે, અંજાર
કામ અર્થે ગયો હતો અત્યારે તડકો હોઇ રતનાલમાં બેઠો છું. અને એક કલાક બાદ જ અજાણ્યા
શખ્સે ફરી જીણુબેનને ફોન કરી અકસ્માત થયાના દુ:ખદ સમાચાર આપ્યા હતા.મેઘપર બોરીચીના
મંગલેશ્વરનગરમાં રહેતા અને મીઠી રોહરના શ્રીરામ પાવર કંપનીમાં ચિફ સિક્યુરીટી ઓફિસર
તરીકે કામ કરતા શૈલેન્દ્ર સાંખલાને અકસ્માત
નડયો હતો આ આધેડ ગત તા. 11/6ના સવારે
બુલેટ નંબર જીજે 12 સીજે 3011 લઈને કામે જવા નીકળ્યા હતા. આ આધેડ ગળપાદરથી ભચાઉ બાજુ જતા ધોરી
માર્ગ મચ્છુનગર પુલના વળાંક પાસે પહોંચ્યા હતા તેવામાં અજાણ્યા વાહને તેમને હડફેટમાં
લેતા તે નીચે પટકાયા હતા અને આ વાહનના પૈડા તેમના માથા પરથી ફરી વળતા તેમને ગંભીર ઈજાઓ
પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઈ જવાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
અકસ્માત કરી નાસી જનાર વાહન ચાલક સામે દેવાન્શ સાંખલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ અબડાસા તાલુકાના નલિયામાં હરિનગરમાં રહેતી કિશોરી એવી દીપિકા માતંગે ગઈકાલે
બપોરથી સાંજ દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગે પિતા અશોકભાઈ રમેશભાઈ માતંગે નલિયા પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.