• સોમવાર, 29 જૂન, 2026

મેઘપર કુંભારડીની રાધાનગર સોસાયટીમાં પાણી વગર લોકો હેરાન

અંજાર, તા. 28 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર કુંભારડીની રાધાનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં માંડ માંડ 15થી 20 દિવસે એક વખત પાણી આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકો પીવાનાં પાણી વગર હેરાન થઈ રહ્યા છે. જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. ભૂકંપગ્રસ્તો માટે વર્ષ 2003માં આ વિસ્તારમાં પહેલી સોસાયટી બની છે ને તેમાં મકાનો બનાવવામાં આવ્યાં છે, તેમાં મોટી સંખ્યામાં લોકો રહે છે.  નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઘણા લાંબા સમયથી સ્થાનિકે રજૂઆતો કરવા છતાં સમસ્યાનું સમાધાન થતું નથી.  વાલ્વમેન મનમાની કરી  નિયમિત પાણી આપતો ન હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે. આસપાસની સોસાયટીઓમાં નિયમિત પાણી મળે છે, પરંતુ રાધાનગર સોસાયટીમાં નળમાં જળ આવતું નથી. લોકો હેરાન થઈ રહ્યા છે.   કમિશનરને પત્ર પાઠવીને નિયમિત પાણી આપવાની માંગ કરી છે, તેની સાથોસાથ વાલ્વમેન અને સુપરવાઇઝરની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે, જો નિયમિત પીવાનું પાણી આપવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેમ પત્રના અંતમાં સોસાયટીઓના જવાબદારોએ જણાવ્યું છે. 

Panchang

dd