મુંજાલ સોની દ્વારા : ભુજ, તા. 28 : એક જમાનો હતો જ્યારે લોકો પોતાનાં
રોકાણનો સૌથી મોટો હિસ્સો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં મૂકતા, પણ પછી ઈન્વેસ્ટમેન્ટના અન્ય વિકલ્પોમાં વધુ
વળતર ને પોસ્ટમાં ઓછા વ્યાજ સહિતનાં પરિબળોને લીધે માનસિક્તા બદલાઈ, નાની બચતમાં રોકાણનું આકર્ષણ ઘટવા લાગ્યું, પણ છેલ્લા
છ મહિનામાં સમયનું ચક્ર આખું ફર્યું હોય તેમ ઈરાન - અમેરિકાનાં યુદ્ધને પગલે શેરબજારમાં
કડાકાઓ અને સોનાં-ચાંદીમાં અભૂતપૂર્વ ચડઊતરને પગલે ફરી એકવાર પોસ્ટની નાની બચતોમાં
રોકાણનો પ્રવાહ વધવા લાગ્યો છે. કચ્છમાં પણ પોસ્ટની સ્મોલ સેવિંગ્સ સ્કીમોમાં ડિપોઝિટ
ગયા વર્ષના રૂા. 5226 કરોડથી વધીને
2025-26ના નાણાંકીય વર્ષમાં રૂા. 5911 કરોડ પર પહોંચી ગઈ છે અને ખાસ
કરીને અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધા બાદથી ઈન્વેસ્ટમેન્ટનો મોટો પ્રવાહ
ફરી પોસ્ટ ઓફિસ તરફ વળવા લાગ્યો છે. પોસ્ટનું એટલે કે, સરકારી રોકાણ સલામત હોય અને ત્રણ-ચાર દાયકા
પહેલાં તો દર પાંચ વર્ષે બમણાવાળી સ્કીમ હતી, પણ ધીમે ધીમે સરકારો
વ્યાજદર ઘટાડતી ગઈ, કોરોના બાદ તો કેન્દ્રની મોદી સરકારે પોસ્ટના
વ્યાજદારોમાં મોટા ઘટાડાનો ફટકો આપ્યો, સિનિયર સિટીઝનની સ્કીમમાં
પણ વ્યાજદર ઘટાડી નાખ્યા અને બીજી તરફ શેર-મ્યુચ્યુઅલ ફંડમાં તેજીનો નવો દોર શરૂ થયો.
સોનાં-ચાંદીમાં પણ રોકાણ વધતું ગયું. ભારતીય લોકો સમજુ છે, એટલે
રોકાણનો એક હિસ્સો પોસ્ટમાં સલામત રોકાણ માટે રાખ્યો, પણ અગાઉની
તુલનાએ તેનો રેશિયો ઘટી ગયો, પણ છેલ્લા કેટલાક મહિનાથી શેરબજારની
પ્રવાહિતાએ નાના રોકાણકારોને ઉચાટમાં મૂકી દીધા છે. આમ તો બજાર ઘટે એ રોકાણનો શ્રેષ્ઠ
સમય કહેવાતો હોય છે, પણ આવો ઘટાડો લાંબા સમય સુધી જારી રહે અને
પછી વધઘટનો દોર શરૂ થાય. રશિયા-યુક્રેન બાદ અમેરિકા-ઈરાન યુદ્ધને લીધે વૈકલ્પિક આર્થિક
કટોકટી અને ઊર્જા સંકટ સર્જાય, ત્યારે મધ્યમવર્ગ `થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવે એ સ્વાભાવિક છે. સોનાંની કિંમતો
પણ દસેક મહિનાથી રોકેટની ગતિએ વધી અને પછી મોટા ઘટાડા થયા, ત્યારે
તેમાં રોકાણ સામે પણ શંકાનો માહોલ ઊભો થયો છે, ત્યારે લોકોએ ખાસ
કરીને વરિષ્ઠ નાગરિકોએ ફરી પોસ્ટ ઓફિસ તરફ કદમ માંડયા છે. કચ્છમાં 2024-25નાં નાણાકીય વર્ષમાં નાની બચતની
વિવિધ યોજનાઓમાં રૂા. 5226.17 કરોડ
એટલે કે રૂા. 52.26 અબજનો કુલ રકમનો ઈનફ્લો નોંધાયો
હતો, જે 2025-26માં વધીને રૂા. 5911.88 કરોડ એટલે કે, રૂા. 59.11 અબજ સુધી
પહોંચી ગયો છે અને જાણકારો કહે છે કે, એપ્રિલ, મે અને જૂનમાં પણ નાની બચતમાં સારું રોકાણ થયું
છે. 2024-25માં કુલ 1,21,194 એકાઉન્ટ ખૂલ્યા હતા, જે 2025-26માં વધીને 1,21,560 નોંધાયા છે. 2024-25માં સિનિયર સિટીઝનમાં કુલ નાણાં 169.55 કરોડ રૂપિયા આવ્યા હતા, જ્યારે 2025-26માં તે વધીને રૂા. 248.94 કરોડ થઈ ગયા. ટાઈમ ડિપોઝિટમાં
રૂા. 937.11 કરોડ હતા, જે વધીને રૂા. 986.38 કરોડ થઈ ગયા. મંથ્લી ઈન્કમ
સ્કીમમાં રૂા. 143.40 કરોડથી વધીને રૂા. 158.67 કરોડ નોંધાયા. જો કે, પીપીએફમાં અને રિકરિંગ ડિપોઝિટમાં ઘટાડો પણ
થયો છે. સૌથી વધુ ઈનફ્લો સેવિંગ્સ એકાઉન્ટમાં હોય છે. 2024-25માં તેમાં રૂા. 2500.51 કરોડ નોંધાયા હતા, જ્યારે 2025-26માં તે વધીને રૂા. 2726.65 કરોડ થયા છે. અલબત્ત, આ બધા આંકડા એકાઉન્ટ ઈનફ્લોના છે અને પોસ્ટના
નિયમો મુજબ જે કંઈ રોકાણ હોય તે સેવિંગ્સ એકાઉન્ટમાંથી જે-તે યોજનામાં થતું હોય અને
જ્યારે પૈસા પાકે ત્યારે તે સેવિંગ્સ એકાઉન્ટમાં જમા થતા હોય છે. એટલે તેમાં ઈનફ્લોની
રકમ વધુ મોટી છે. એ ઉપરાંત ડિપોઝિટ અને ઈનફ્લોમાં પણ થોડો ફરક છે. કોઈ યોજના કે ખાતાંમાં
ચોક્કસ રકમ જમા થાય ત્યારે તે થાપણ બનતી હોય છે અને ઈનફ્લોમાં એ એકાઉન્ટમાં ચોક્કસ
સમયગાળા માટે જે રકમ આવતી હોય છે તેને કહેવાય છે, પણ પોસ્ટમાં
એકાઉન્ટ ઈનફ્લોના આંકડાથી થાપણોનું પ્રમાણ વધ્યું એ કહી શકાય ખરું. નાની બચતોના જાણીતા
એજન્ટ ચેતન ગાંધી કહે છે કે, આ વર્ષની શરૂઆતથી જ પોસ્ટની યોજનાઓમાં
રોકાણનું પ્રમાણ વધ્યું છે અને મધ્ય-પૂર્વના યુદ્ધ બાદ તેમાં ઓર વધારો થયો છે. લોકો
અવઢવમાં છે અને યુદ્ધના મોરચે આગળ શું થશે તેની કોઇને ખબર નથી. એટલે સુરક્ષિત રોકાણમાં
પ્રવાહ વધ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ અંગેનું મોટું કામ ધરાવતા કીર્તિભાઇ વરસાણી પણ કહે
છે કે, હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને 40થી વધુના વયના લોકો સલામત રોકાણને પ્રાથમિકતા
આપતા થયા છે. - સિનિયર સિટીઝન
યોજનામાં એજન્ટોને કમિશન ચાલુ કરો : ભુજ, તા. 28 : સિનિયર સિટીઝનો માટે પોસ્ટની
બચત યોજનાઓના વ્યાજદર વધુ છે અને વરિષ્ઠ નાગરિકો સલામત રોકાણને પ્રાધાન્ય આપતા હોય
છે. વળી તેઓ ખાતાં ખોલવા માટે, ફોર્મ
ભરવા માટે વારંવાર પોસ્ટ ઓફિસોના ધક્કા ખાઈ ન શકે, લાંબો સમય
લાઈનમાં ઊભી ન શકે તેમ છતાં કેન્દ્ર સરકારે એક આઘાતજનક નિર્ણયમાં નવેમ્બર 2011થી સિનિયર સિટીઝન અને પીપીએફમાં
બચત એજન્ટોને મળતું કમિશન બંધ કરી નાખ્યું હતું અને પછીની સરકારોએ પણ તેમાં સુધારો
ર્ક્યો નહીં. હકીકતમાં સિનિયર સિટીઝનોના કિસ્સામાં તેમાં ફેરફાર થવો જોઈએ.- નાની બચતનાં
કામ માટે કચ્છમાં પોસ્ટ ખાતું વધુ કર્મીઓ મૂકે : ભુજ,
તા. 28 : પોસ્ટ વિભાગમાં
નાની બચતોનું કામ મોટું છે, પણ એકંદરે
સ્ટાફની ઘટથી લોકો પરેશાન બને છે. ક્લાર્કનું મહેકમ 170 છે અને તેની સામે અત્યારે 100 જેટલા કર્મચારી છે. ભુજ હેડ
ઓફિસમાં વધારાનું કાઉન્ટર શરૂ કરવા છતાં સ્મોલ સેવિંગ્સની કામગીરીમાં વધુ કર્મચારીઓની
જરૂરિયાત જોઈ શકાય છે. એ જ રીતે જ્યાં સૌથી વધુ નાણાં ડિપોઝિટ થતાં હોય છે તે માધાપર
પોસ્ટ ઓફિસમાં સરેરાશ ત્રણ જ કર્મચારી હોય છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ
આ કર્મચારીઓ યોગ્ય સહકાર આપે છે, પણ જે
રીતનું કામ અહીં છે તેને જોતાં કમ સે કમ પાંચેક કર્મચારી હોવા જોઈએ, આવી જ સ્થિતિ કચ્છના મોટા ભાગના શહેરોની પોસ્ટ ઓફિસોમાં છે.