• સોમવાર, 29 જૂન, 2026

બરંદાના યુવાનની લાશ કબરમાંથી કાઢી એફએસએલ માટે મોકલાઇ

ભુજ, તા. 28 : લખપત તાલુકાના બરંદામાં ત્રણ દિવસ પહેલાં યુવાને ફાંસો ખાઇ જીવ દીધો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કર્યા વિના દફનવિધિ થઇ હતી. મૃત્યુ અંગે શંકા દર્શાવતી અરજી પોલીસ સુધી પહોંચતાં પોલીસે એક્શનમાં આવી આજે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશને કબરમાંથી કાઢી એફએસએલ માટે મોકલાઇ છે. આ બનાવની વિગતો મુજબ બરંદાનો યુવાન સિધિક ઉર્ફે ઇરફાન અલીમામદ પડિયાર ગત તા. 25/6ના બપોરે બે વાગ્યે ઘરેથી નીકળી ગયા બાદ  સાંજ સુધી પરત ન ફરતાં તેની શોધખોળ કરતાં સીમમાં બાવળની ઝાડીમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃત મળ્યો હતો. પરિજનોએ આત્મહત્યા કરી હોવાનું માની બીજા દિવસે સવારે દફનવિધિ કરી નાખી હતી અને પોલીસને કોઇ જાણ કરી ન હતી. દરમ્યાન સિધિકનાં મૃત્યુ અંગે શંકા દર્શાવતી જાગૃત નાગરિકે અરજી કરી તપાસ કરવા રજૂઆત કરતાં બીજા દિવસે નારાયણ સરોવર પોલીસ એક્શનમાં આવી હતી. જરૂરી કાર્યવાહીના અંતે આજે પોલીસ અધિકારીઓ તથા વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં સિધિકના દેહને કબરમાંથી બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ અર્થે એફએસએલમાં મોકલી દેવાયો છે અને નારાયણ સરોવર પોલીસ હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સિધિકના થોડા માસ અગાઉ જ નિકાહ થયા હતા. પરિજનોની પ્રાથમિક પૂછપરછમાં સિધિક માનસિક રીતે અસ્વસ્થ હોવાનું અને તેની આ અંગે સારવાર ચાલુ હોવાનું જાણવા મળતાં તેની સારવારની ફાઇલ પણ પોલીસે મેળવી હોવાની વિગતો મળી છે. 

Panchang

dd