• મંગળવાર, 17 માર્ચ, 2026

હોર્મુઝ પાર કરી મુંદરા પહોંચ્યું શિવાલિક

નવી દિલ્હી, તા. 16 : ભારત દેશના વિવિધ રાજ્યોમાં `મહાયુદ્ધ' પ્રેરિત ઘરેલુ રાંધણગેસ સંકટથી ફેલાયેલા ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા રાહતનાં સમાચાર મળ્યાં છે. કતારથી 46 હજાર મેટ્રિક ટન રાંધણગેસ સાથે `િશવાલિક' જહાજ ત્રણ દિવસની સફર ખેડયા પછી સોમવારની સાંજે પાંચ વાગ્યે ગુજરાત રાજ્યનાં મુંદરા બંદરે પહોંચ્યું હતું. આમ, દેશવ્યાપી ગેસસંકટ હળવું કરવાની કવાયત કચ્છમાંથી શરૂ થશે. શિવાલલિક જહાજ લગભગ 32.4 લાખ ઘરેલુ રાંધણગેસ સિલિન્ડર ભરાય તેટલા એલપીજી સાથે મુંદરા બંદરે પહોંચી આવ્યું છે. આવતીકાલે મંગળવારે તેટલા જ 46 હજાર મેટ્રિક ટન રાંધણગેસ સાથે બીજું જહાજ નંદાદેવી પણ કંડલા બંદરે આવી પહોંચશે. અન્ય જહાજ `જગ લાડકી' 81 હજાર ટન ક્રૂડતેલ લઇને આવી રહ્યું છે. શિવાલિક જહાજ યુદ્ધથી જેની સુરક્ષા જોખમાઇ હતી તે સંવેદનશીલ હોર્મુઝ સ્ટ્રેટનો કપરો સમુદ્રી માર્ગ કાપીને મુંદરા પહોંચ્યું છે. શિવાલિક અને નંદાદેવી મળીને બે દિવસમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી (ઘરેલુ રાંધણગેસ) ભારતમાં પહોંચશે. અમેરિકા-ઇઝરાયલ સાથે યુદ્ધથી મહત્ત્વપૂર્ણ સમુદ્રી ક્ષેત્રમાં સર્જાયેલી અજંપાભરી પરિસ્થિતિ વચ્ચે ભારતને મિત્ર લેખાવનાર ઇરાને બે ભારતીય જહાજને હોર્મુઝ સ્ટ્રેટ પરથી પસાર થવાની છૂટ આપી હતી. લગભગ પાંચ માળની ઊંચાઇ ધરાવતા 200 મીટરથી વધુ લંબાઇ સાથેના શિવાલિક જહાજ પર કેપ્ટન સહિત 25 ક્રૂ સભ્યની ટીમ તૈનાત રહી હતી. `િશવાલિક'માં મોજૂદ 46 હજાર મેટ્રિક ટનમાંથી 20 હજાર મેટ્રિક ટન રાંધણગેસ મુંદરામાં જ રિફિલ કરાશે. બાકીનો 26 હજાર મેટ્રિક ટન એલપીજી મેંગ્લોર મોકલાશે, તેવું જાણવા મળે છે. શિવાલિક 14મી માર્ચના હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ રવાના થયું હતું. મધ્ય-પૂર્વમાં જારી યુદ્ધ વચ્ચે આ ભારત પહેંચનાર પ્રથમ જહાજ છે. ફારસની ખાડીમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે ભારતીય તિરંગાવાળા 22 જહાજ હજુ પણ મોજૂદ છે.

Panchang

dd