મોસ્કો, તા. 12 : રશિયામાં અચાનક સોશિયલ મીડિયા
પર મોટી કાર્યવાહી કરતાં વોટ્સએપ, યુ-ટયુબ,
ઈંસ્ટાગ્રામ અને ફેસબુક જેવા લોકપ્રિય સોશિયલ મીડિયા મંચો પર રોક મૂકી
દેવાઈ છે. આ તમામ વેબસાઈટનાં ડેમેઈનનાં નામ રૂસની રાષ્ટ્રીય ડોમેઈન નેમ સિસ્ટમ (ડીએનએસ)માંથી
હટાવી દેવાયાં હોવાના વાવડ મળ્યા છે. માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોની વેબસાઈટ્સ પણ આ કાર્યવાહીની ચપેટમાં
આવી ગઈ છે. અહેવાલો અનુસાર, બીબીસી, ડોયરોવેલે,
રેડિયો ફ્રી યુરોપ, રેડિયો લિબર્ટી જેવી વેબસાઈટ્સ
પર પણ રૂસમાં પાબંદી મુકાઈ છે. રશિયામાં તમામ ઈન્ટરનેટ સેવા આપતી કંપનીઓ માટે રાષ્ટ્રીય
ડીએનએસ સિસ્ટમનો ઉપયોગ કરવો ફરજિયાત છે. રૂસે 2021નાં વર્ષથી જ ગૂગલ ડીએનએસ જેવી
વૈકલ્પિક ડીએનએસ સેવાઓના ઉપયોગને સીમિત કરવાનું શરૂ કરી દીધું હતું. પુતિન પ્રશાસનનાં
અત્યાર સુધીનાં સૌથી આકરાં પગલાંની અસર હેઠળ રૂસી જનતા વિદેશી ડિજિટલ મંચો અને વિશ્વના
સમાચારોના મોટા સ્રોતોની પહોંચ ખોઈ ચૂકી છે.