• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામના ટ્રાન્સપોર્ટરોએ ખોટી રીતે ડીઝલ ભરાવી લેતાં ફરિયાદ

ગાંધીધામ, તા. 12 : આ શહેર-સંકુલમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપનીના પેટ્રોલપંપથી ફ્લીટ ડીઝલ કાર્ડ મેળવી તેમાં રકમ જમા કરાવ્યા વગર જુદા-જુદા પંપો પરથી ડીઝલ ભરાવી લીધા બાદ રૂા. 17,97,609 જમા ન કરાવતાં બે ટ્રાન્સપોર્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. બી.પી.સી.એલ. દ્વારા વર્ષ 2001માં ફ્લીટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે ગ્રાહક આ કાર્ડ મેળવે તેને 100 રૂપિયે 40 પૈસાનો ફાયદો થતો હતો. બાદમાં 2023માં રોઝર પેની રિસ્ક એસેસમેન્ટની ટીમે બી.પી.સી.એલ. અને રેઝર પે પેયમેન્ટ ગેટવે સિસ્ટમ વચ્ચેના ડાટા ફ્લોના આધારે શંકાસ્પદ રિચાર્જ થયા હોવાની જાણ કરી હતી. બી.પી.સી.એલ.એ તપાસ કરતાં ભારતમાં કુલ 1093 ગ્રાહકે ફ્લીટ કાર્ડમાં 129.55 કરોડનું રિચાર્જ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ ગ્રાહકોએ ખોટી રીતે પીન નંબર નાખ્યા વગર ફ્લીટ કાર્ડમાં રિચાર્જ કરાવ્યું હતું. ખોટી રીતે રિચાર્જ કરી અનેક ગ્રાહકોએ તે કાર્ડ પરથી જુદા-જુદા પેટ્રોલપંપો પરથી ડીઝલ ભરાવી લીધું હતું. ખરેખર તેમની બેંકમાંથી પૈસા કપાયા નહોતા પણ ફ્લીટ કાર્ડમાં રિચાર્જ થઇ જતું હતું. અંતરજાળના અને શ્રીનાથ લોજિસ્ટિકના રમેશ અવાડિયાએ 2023માં આવી રીતે રૂા. 9,99,500નું ફ્લીટ કાર્ડ રિચાર્જ કરાવ્યું હતું, જેમાંથી રૂા. 7,95,386 બીપીસીએલએ પરત લઇ લીધા હતા, જ્યારે ટ્રાન્સપોર્ટરે રૂા. 2,04,113નું ડીઝલ ભરાવી લીધું હતું તેમજ મેરી ગોલ્ડ લોજિસ્ટિકના અતુલ ધીરજલાલ મોરીએ આવી રીતે રૂા. 24,50,000નું રિચાર્જ કરાવ્યું હતું, જેમાં રૂા. 6,52,390 બીપીસીએલએ પરત લઇ લીધા હતા, જ્યારે આ ટ્રાન્સપોર્ટરે રૂા. 17,97,609નું ડીઝલ ભરાવી લીધું હતું. આ બંનેને પત્ર પાઠવી બેંકમાંથી પૈસા કપાઇ ગયા હોય તો બેંક સ્ટેટમેન્ટ આપવા અન્યથા બાકીની રકમની ભરપાઇ કરવા તેમજ મોબાઇલ પર પણ સંપર્ક કરવા છતાં બંનેએ કોઇ જવાબ ન આપતાં આ બંને સામે રાજકોટ બી.પી.સી.એલ.ના અર્પતિ વિનય બંસલે રૂા. 17,97,609ની છેપરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. 

Panchang

dd