• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

રાહુલ પરથી એક મુસીબત ટળી, તો બીજી સર્જાઈ

નવી દિલ્હી, તા. 12 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીનાં તાજેતરનાં ભાષણ મુદ્દે રાજકીય વિવાદનો ચરુ ભડકી ઉઠયો છે. સરકારે હવે રાહુલ સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપવાનું ટાળતા રણનીતિ બદલી નાખી છે. રાહુલ વિરુદ્ધ હવે એક વિશિષ્ટ પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે. જેનાથી વિપક્ષી નેતાનું સભ્યપદ સદસ્યતા રદ કરવાથી લઈને આજીવન ચૂંટણી લડતાં પ્રતિબંધિત કરવાની માગણી ઉઠાવવામાં આવી છે. આ પ્રસ્તાવ ભાજપ સાંસદ નિશિકાંત દુબે તરફથી રજૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે રાહુલ ગાંધીએ બજેટની ચર્ચા દરમિયાન લોકસભામાં ભાષણ  આપેલું અને તેમાં એપસ્ટીન ફાઇલ્સનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નામ લઈને આરોપ લગાવ્યા હતા. આ ઉપરાંત સરકારે અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં દેશ વેચી દીધા જેવા ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને પગલે કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ સરકાર રાહુલ સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ લાવશે તેવું જણાવ્યું હતું. જો કે છેલ્લા ઘણા લાંબા સમયથી ખોરવાતી રહેલી સંસદની કામગીરી માંડ પાટે ચડી હોવાથી સરકાર તેમાં નવા કોઈ મુદ્દે વિક્ષેપો પેદા થાય તેવું ઈચ્છતી ન હોવાથી આ નિર્ણય પલટી નાખવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જો કે આમાં એક બાબત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે, રાહુલ ગાંધી ઉપરથી એક મોટી મુસીબત ટળી ગઈ છે કારણ કે સરકાર રાહુલ સામે વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ નહીં લાવે પરંતુ તેનો અર્થ એવો પણ નથી કે મામલો શાંત પડી ગયો છે. બીજ મુસીબત ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એક અલગથી પ્રસ્તાવ દાખલ કરીને ઉભી કરી દીધી છે. જો તેનાં ઉપર ચર્ચા પછી પ્રસ્તાવ પસાર થઈ જાય તો રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા સમાપ્ત થઈ શકે છે. એવું જાણવા મળી રહ્યું છે કે, રાહુલનાં ભાષણ મામલે સરકાર કડકાઈ દેખાડવાનો ઈરાદો ધરાવતી નથી. જો કે કહેવાઈ રહ્યું છે કે, રાહુલે લોકસભામાં આપેલાં ભાષણમાં ઘણી વાતો અને આરોપ પ્રમાણિત નહોતાં. તેથી એવી સંભાવનાને જોર મળે છે કે, ભાષણમાંથી આવા અંશોને ગૃહની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવે. ભાજપના ચીફ વ્હિપ સંજય જયસ્વાલે રાહુલની કેટલીક વાતોને સદનની કાર્યવાહીમાંથી હટાવવાની સત્તાવાર નોટિસ પણ આપી છે. ભાજપનું કહેવું છે કે, રાહુલનાં કેટલાંક વિધાન વાંધાજનક અને તથ્ય આધારિત નહોતાં.  બીજીબાજુ ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ વિરુદ્ધ એક અલગ મૂળ પ્રસ્તાવ દાખલ કર્યો છે. જે સામાન્ય નોટિસથી અલગ પ્રક્રિયા હોય છે. જો લોકસભા સ્પીકર તેનો સ્વીકાર કરે તો તેનાં ઉપર સદનમાં ચર્ચા અને મતદાન થઈ શકે છે. આવો પ્રસ્તાવ પસાર થાય તો રાહુલની સંસદની સદસ્યતા સમાપ્ત થઈ જઈ શકે છે. દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને માગણી કરી છે કે, રાહુલનાં કથિત અનૈતિક આચરણની તપાસ માટે એક સંસદીય સમિતિ બનાવવામાં આવે. આટલું જ નહીં પણ જરૂર પડયે રાહુલની સદસ્યતા ખતમ કરવાનો વિચાર પણ કરવામાં આવે. બીજી તરફ વિપક્ષે વિશેષાધિકાર હનન નોટિસ લાવવાને ધ્યાન ફંટાવવાની સાજિશ ગણાવતા સરકાર ઉપર નવેસરથી પ્રહારો કર્યા હતા. 

Panchang

dd