નવી દિલ્હી, તા. 12 : દેશના સામાન્ય
માણસ માટે મોંઘવારી માથાંનો દુ:ખાવો બનતી રહી છે,
ત્યારે આમઆદમીને આંચકો આપતા આંકડા સામે આવ્યા છે. જાન્યુઆરીમાં છૂટક
મોંઘવારી વીતેલા મહિનાની તુલનાએ વધીને 2.75 ટકા સાથે આઠ મહિનાની ટોચે પહોંચી ગઈ છે. આ નવી ગ્રાહક ભાવ આંક
શ્રેણી હેઠળ જારી કરાયેલો પહેલો મોટો આંકડો છે, જેમાં બેઝ યર 2012નાં સ્થાને
2024 લેખાયું છે. અગાઉ જૂની શ્રેણી
મુજબ વીતેલાં વર્ષના ડિસેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી 1.33 ટકા અને નવેમ્બરમાં 0.71 ટકા હતી. નવા આંકડા અનુસાર સળંગ ત્રીજા મહિને કિંમતોમાં
વધારો નોંધાયો હતો. નવી શ્રેણીમાં સૌથી મોટા બદલવા રૂપે ખાવા-પીવાની ચીજોને ગણતરીમાં
ઓછું વજન અપાયું છે. પહેલીવાર ખાદ્યચીજોનો હિસ્સો 40 ટકાથી નીચે ગયો છે અને ખાવા-પીવા સિવાયની વસ્તુઓનો ફાળો 60 ટકાથી વધુ રખાયો છે. આંકડા
મંત્રાલયના સચિવ સૌરભ ગર્ગના જણાવ્યા મુજબ ભારતીય નાગરિકોની આવક વધ્યા બાદ હવે ભોજન
પર ઓછો અને આવાસ તેમજ અન્ય સુવિધાઓ પર વધુ ખર્ચ કરે છે. નવી શ્રેણીમાં હવાઈ ટિકિટ, ઓનલાઈન ખર્ચ, ઈ-કોમર્સ
ખરીદી, આવાસનાં ભાડાં અને વીજળીની કિંમતો સામેલ કરાઈ છે.