મુંદરા, તા. 12 : મુંદરામાં ધોળા દિવસે જ્વેલર્સની
દુકાનમાંથી બંદૂકની ગોળીએ લૂંટના પ્રયાસના મામલે પોલીસ અને એલસીબી શાખા સહિતની તપાસ
હજુ જારી છે. જિલ્લા પોલીસવડાએ મંગળવાર તેમજ બુધવારે પણ મુંદરાની મુલાકાત લીધી હતી
અને તાગ મેળવ્યો હતો. ઘટનામાં પકડાયેલા એક આરોપીના 10 દિવસના રિમાન્ડ મળી ચૂક્યા છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અલગ-અલગ નામો
બહાર આવી રહ્યાં છે અને સત્તાવાર માહિતી હવે પછી બહાર પાડવામાં આવશે. પકડાયેલો એક આરોપી પંકજ શર્મા 10 દિવસના રિમાન્ડ પર છે અને આજે
આરોપીને વધુ પૂછતાછ માટે ભુજ લઈ જવાયો હતો. સૂત્રોમાંથી પ્રાથમિક તબક્કે એવું અનુમાન
વ્યક્ત થયું છે કે, આ આંતરરાજ્ય
રીઢા ગુનેગારોની ટોળકી છે. જો કે, પોલીસના શકંજાથી ઝાઝા દિવસ દૂર નહીં રહી શકે. નોંધનીય છે
કે, મુંદરાનો ઝડપી વિકાસ
અને વસ્તી વધી રહી છે એ સાથે ગુનાઓનું પ્રમાણ
પણ વધી રહ્યું છે અને દેશના રીઢા ગુનેગારોનું આ ભવિષ્યમાં સ્થાન ન બને એ માટે વિવિધ
એજન્સીઓ સક્રિય બને એવી માંગ ઊઠી છે. અત્રે
મુંદરામાં લાલ સલામવાળા પણ પકડાઈ ચૂક્યા છે. આરોપીઓ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા
હોવાનું પ્રાથમિક અનુમાન છે.