ઢાકા, તા. 12 : પાડોશી દેશ બાંગલાદેશને નવી
સરકાર મળવા જઈ રહી છે. પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને સત્તાથી હટાવવામાં આવ્યા બાદ
18 મહિના પછી બાંગલાદેશમાં સામાન્ય
ચૂંટણી યોજાઈ હતી. દેશભરની કુલ 299 બેઠકો પર
મતદાન દરમિયાન હિંસાની ઘટનાઓ પણ બની હતી. સાંજે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી ચાલી રહી
છે. છેલ્લા હેવાલ મુજબ તારિક રહેમાનની પાર્ટી બીએનપી 78 બેઠક પર, તો શફીકુર રહેમાનનો જમાત પક્ષ 38 બેઠક પર આગળ છે. બાંગલાદેશમાં
હિંસા એક ચિંતાજનક મુદ્દો બની ગયો છે. એક અહેવાલ મુજબ, 1થી 10 ફેબ્રુઆરી વચ્ચે હિંસાની ઓછામાં
ઓછી 58 ઘટનાઓ નોંધાઈ છે. છેલ્લા કેટલાક
સમયમાં લઘુમતીઓને નિશાન બનાવવાના બનાવો પણ સામે આવ્યા છે. દેશની નબળી અર્થવ્યવસ્થા
સહિત અનેક પડકારો છે, જેનો સામનો
નવા પ્રધાનમંત્રીને કરવો પડશે. બાંગલાદેશમાં લાંબા સમય સુધી પ્રધાનમંત્રી પદ માટે ખાલિદા
જિયા અને શેખ હસીના વચ્ચે ટક્કર રહી છે. પરંતુ શેખ હસીનાને સત્તાથી દૂર કર્યા બાદ અને
ચૂંટણી પહેલા જ ખાલિદા જિયાના નિધન પછી હવે બાંગલાદેશ મોટા પરિવર્તન માટે તૈયાર છે.
પ્રતિબંધને કારણે શેખ હસીનાની પાર્ટી અવામી લીગ આ ચૂંટણીમાં ભાગ લઈ રહી નથી. ત્યારે
બાંગલાદેશમાં હાલ પાંચ એવા ચહેરા સામે આવ્યાં છે જેને પ્રધાનમંત્રી પદનાં દાવેદાર માનવામાં
આવે છે. આમાં તારિક રહમાન (બાંગલાદેશ નેશનાલિસ્ટ
પાર્ટી), શફીકુર રહમાન
(જમાત-એ-ઇસ્લામી), નાહિદ ઇસ્લામ (નેશનલ સિટિઝન પાર્ટી), મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર અને સૈયદ રેજાઉલ કરીમ (ઇસ્લામી આંદોલન બાંગલાદેશ)નો
સમાવેશ થાય છે.