• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

બિટ્ટામાં રૂા. 31 લાખની સરકારી જમીન દબાણમુક્ત

નલિયા (તા. અબડાસા), તા. 12 : સરકારી જમીનો પચાવી પાડનારા તત્ત્વો સામે લાલઆંખ કરી રહેલાં પોલીસ તંત્રએ અબડાસા તાલુકાના બિટ્ટા ગામની સીમમાં કાર્યવાહી હાથ ધરી હતી. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા બિટ્ટા ગામના સીમાડે સર્વે નંબર 619માં કરાયેલું ગેરકાયદેસર ખેતી વિષયક દબાણ હટાવી 24,281 ચોરસ મીટર જમીનનો કબજો વહીવટી તંત્રને સોંપવામાં આવ્યો હતો. સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ પોલીસવડા વિકાસ સુંડા દ્વારા સીમાવર્તી વિસ્તારોની સુરક્ષા અને સરકારી મિલકતો પરનાં દબાણો દૂર કરવા આપેલી કડક સૂચનાનાં પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. નખત્રાણા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક બી. બી. ભગોરાનાં માર્ગદર્શન હેઠળ નલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ વી. એમ. ઝાલા અને કોઠારા પોલીસ સ્ટેશનના પીઆઈ પી. કે. રાડા સહિતના કાફલાએ બિટ્ટા ગામની સીમમાં  અરાવિંદકુમાર હંસરાજ શાહ દ્વારા કરવામાં આવેલું દબાણ દૂર કર્યું હતું. અંદાજે છ એકર જેટલી આ જમીનની કિંમત રૂા. 30 લાખ અને તેના પર ઊભા કરાયેલાં વાવેતરની કિંમત રૂા. એક લાખ મળી કુલ 31 લાખની સરકારી મિલકત ખુલ્લી કરાવવામાં આવી હતી. સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ ગણાતા અબડાસા પંથકમાં પોલીસ દ્વારા લેવામાં આવેલાં આ આકરાં પગલાંથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

Panchang

dd