હેમંત ચાવડા દ્વારા : ભુજ, તા. 11 : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ
પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ તેમાંયે ખાસ કરીને કિશોરવયની કન્યાઓ
માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે નિશ્ચિત કરવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન
આપવા રાજ્ય સરકાર દ્વારા `નમો લક્ષ્મી' તેમજ વિજ્ઞાન પ્રવાહના છાત્રો અને છાત્રાઓ માટે
`નમો સરસ્વતી' યોજના અમલમાં મૂકી છે, પરંતુ વિદ્યાર્થીઓનાં બેંક ખાતા અને આધારકાર્ડની વિસંગતતાના કારણે કચ્છમાં
23 હજારથી વધુ લાભાર્થી પૈકી 10 હજારથી વધુ છાત્રની શિષ્યવૃત્તિ
અટવાઈ હોવાની ફરિયાદો ઊઠવા પામી છે. - ગત જૂન-જુલાઈમાં ધોરણ 10ની શિષ્યવૃત્તિ ચૂકવાઈ : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની
સાથે કિશોર વયની કન્યાઓનાં પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાતા વિદ્યાર્થિનીઓને
શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેમનું સશક્તિકરણ થાય તે હેતુથી તેઓને આર્થિક
સહાય આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા `નમો લક્ષ્મી' અને `નમો સરસ્વતી' યોજના હેઠળ શિષ્યવૃત્તિ અપાઈ રહી છે,
આ યોજના હેઠળ કચ્છમાં ગત જૂન-જુલાઈમાં ધોરણ 10ની કન્યાઓને શિષ્યવૃત્તિ ચૂકવાયા બાદ આજે બીજું સત્ર પૂરું થવા
આવ્યું છતાં ધોરણ 11મા આવેલા
10 હજારથી વધુ છાત્ર-છાત્રાઓની
હજુ સુધી શિષ્યવૃત્તિ ચૂકવાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. - પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ
પૂર્ણ કરનારાને લાભ : આ યોજના હેઠળ સરકારી કે અનુદાનિત શાળામાં
ધોરણ આઠ પાસ કરી ધોરણ નવમા પ્રવેશ મેળવે તેમજ સરકાર માન્ય ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ.
હેઠળ પ્રવેશ મેળવી ધોરણ 1થી 8 પૂર્ણ કરી નવમામાં પ્રવેશ મેળવી સળંગ ધોરણ
12 પાસ કરનારાને આ યોજનાનો લાભ મળી રહ્યો છે, જેમાં ધોરણ નવ અને દસ દરમ્યાન દર માસે 500 લેખે દસ મહિના સુધી કુલ પાંચ
હજાર, ધોરણ 11 અને 12માં દર માસે રૂા. 750 લેખે 7500 અને ધોરણ 12 પાસ કરે એટલે રૂા. 15 હજારની સહાય રાજ્ય સરકાર દ્વારા
ચૂકવાશે. તો ધોરણ 11મા વિજ્ઞાન
પ્રવાહમાં પ્રવેશ મેળવનારા છાત્ર-છાત્રા બંનેને ધોરણ 12 સુધી વાર્ષિક (દસ મહિના લેખે)
રૂા. 10-10 હજાર અને 12 પાસ કર્યા બાદ વધુ પાંચ હજાર
એમ કુલ 25 હજારની સહાય નમો સરસ્વતી યોજના
હેઠળ પણ મળી શકશે. - ખાનગી અને
સીબીએસઈ હસ્તકની શાળાના સંચાલકોની ઉદાસીનતા : બીજીતરફ વિદ્યાર્થિનીઓને મળનારી આ સહાય માટે કેટલીક ખાનગી અને
સીબીએસઈ હસ્તકની શાળાના સંચાલકો ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરાવવામાં ઉદાસીનતા દાખવતા હોવાનાયે
આક્ષેપો ઊઠવા પામ્યા છે. આવી શાળાઓની ઉદાસીનતાના કારણે સદ્ધર વાલીઓ માટે કોઈ પ્રશ્ન
નથી, પરંતુ નબળી આર્થિક સ્થિતિ ધરાવતા વાલીઓના છાત્રોને
તેનો લાભ મળતો નથી. વળી, આવી કેટલીક શાળાના સંચાલકો આ યોજનાથીયે અજાણ હોવાથી ખુદ જિલ્લા શિક્ષણ
કચેરી દ્વારા માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ મળે તેવા પ્રયાસો કરવામાં
આવી રહ્યા છે. દરમ્યાન આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું
કે, જેમની શિષ્યવૃત્તિ બાકી છે તેમને આ મહિનાના અંત સુધીમાં ચૂકવાઈ જશે. જો કે,
જેમનાં બેંક ખાતા અને આધારકાર્ડમાં વિસંગતતા હશે તેમને થોડો સમય લાગશે.