• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ધ્રૂજશે પાક; વધુ 114 રાફેલને ભારતની મંજૂરી

નવી દિલ્હી, તા. 12 : પાકિસ્તાન જેના ડરથી કાંપી રહ્યું હતું તે જ કરી બતાવતાં ભારતનાં સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે ફ્રાન્સ પાસેથી વધુ 114 રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ ભારતનો સૌથી મોટો સંરક્ષણ સોદા બનશે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને કમર તોડી નાખતો ફટકો આપનાર ભારતીય વાયુદળનાં વર્તમાન રાફેલ યુદ્ધવિમાનની તાકાત ધ્યાને લેતાં મેઇક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ આ વિમાનો ભારતમાં બનાવવાનો ફેંસલો કરાયો છે. આ મહત્ત્વાકાંક્ષી સોદાનું મૂલ્ય લગભગ સવા ત્રણ લાખ કરોડ રૂપિયા બતાવાઇ રહ્યું છે. હવે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોંના ત્રણ દિવસીય ભારત પ્રવાસ દરમ્યાન 17થી 20 ફેબ્રુઆરી વચ્ચે આ સોદા પર વિધિવત હસ્તાક્ષર થઇ શકે છે. દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહના વડપણ હેઠળની સમિતિએ વાયુદળ માટે 114 રાફેલ સાથે નૌકાદળ માટે અમેરિકા તરફથી છ પી-81 પોસિડોન સમુદ્રી પેટ્રોલિંગ વિમાનોની ખરીદીના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી હતી. આ બંને સોદાની કુલ કિંમત રૂા. 3.60 લાખ કરોડ રૂપિયા છે. રાફેલની સંખ્યામાં વધારા સાથે વાયુદળની તાકાત વધશે. આ સોદો `મેઇક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ થશે. ડસોલ્ટ એવિએશન એક ભારતીય કંપની સાથે મળીને આ વિમાનો બનાવશે. તાજેતરમાં જ આ ફ્રેન્ચ કંપનીએ ડસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડમાં પોતાની હિસ્સેદારી 49 ટકાથી વધારીને 51 ટકા કરી નાખી હતી. આ સંયુક્ત સાહસમાં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર પણ ભાગીદાર છે. ટેક્નોલોજી ટ્રાન્સફર બાદ રાફેલમાં સ્વદેશી સામગ્રી 55થી 60 ટકા થવાની આશા છે. રાફેલ યુદ્ધવિમાનોના સોદાનો પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણવાળી સુરક્ષા પરની કેબિનેટ સમિતિને મોકલાશે. ભારતની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભરતા સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી) એ રાફેલ યુદ્ધ વિમાનોની ખરીદીને મંજૂરી આપી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાની લડાયક ક્ષમતા અને આધુનિકીકરણ યોજનાઓમાં આ એક મહત્ત્વપૂર્ણ વધારો છે. ડીએસી ભારત સરકારની સર્વોચ્ચ સંરક્ષણ ખરીદી સમિતિ છે જેની  અધ્યક્ષતા સંરક્ષણ પ્રધાન કરે છે અને તેમાં ચીફ ઓફ સ્ટાફ, સંરક્ષણ સચિવ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.  અહેવાલ મુજબ ડીએસીની બેઠકમાં રાફેલ ઉપરાંત અન્ય આધુનિક શસ્ત્રોનાં સંપાદન પર ચર્ચા થઈ હતી. જેમાં ફ્રાન્સ પાસેથી સ્કેલ્પ ક્રૂઝ મિસાઇલ, અમેરિકા પાસેથી મેરીટાઇમ સર્વેલન્સ એરક્રાફ્ટ અને ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સુદર્શન ડિફેન્સ કવચ માટે એસ-400નો સમાવેશ થાય છે. વધુમાં મંત્રાલયે સંરક્ષણ અને વિકાસ સંગઠન દ્વારા વિકસિત એક લાખ વિભાવ પોઇન્ટ એન્ટી-ટેન્ક માઇન્સ માટે મંજૂરી આપવાની શક્યતા વ્યક્ત કરી છે. 

Panchang

dd