• શુક્રવાર, 26 જુલાઈ, 2024

ટીમ ઇન્ડિયામાં `ગંભીર યુગ'નો આરંભ

નવી દિલ્હી, તા. 9 : વિશ્વકપ વિજયી ટીમના ઓપનર રહી ચૂકેલા અને જેમના માર્ગદર્શનમાં કે.કે.આર. ટીમ આ વર્ષે આઇપીએલ જીતી એ ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના નવા મુખ્ય કોચ બન્યા છે. ભારતીય ટીમના નવા કોચનાં નામના એલાનમાં બિનઅપેક્ષિત વિલંબ થયા બાદ અંતે મંગળવારે મોડેથી બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે ગંભીરનું નામ ટ્વિટ કરીને જાહેર કર્યું હતું. રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂર્ણ થતાં નવા કોચ પદની રેસમાં ગંભીર મજબૂત દાવેદાર હતા અને બીસીસીઆઈએ તેમને મુક્તપણે કામ કરવાની છૂટ આપવા સાથે 2027 સુધીના કાર્યકાળમાં મહિને રૂા. 1 કરોડથી વધુનો પગાર આપ્યાની ચર્ચા છે. પૂર્વ કોચ રાહુલ દ્રવિડને મહિને રૂા. 1 કરોડ પગાર તરીકે મળતા હતા અને ગંભીરે તેથી વધુ માગ્યાનું કહેવાય છે. બોર્ડ અને ગંભીર વચ્ચે સોદો નક્કી થતાં નામ જાહેર કરવામાં આવ્યું હતું. 42 વર્ષના ગંભીરે 2007 અને 2011ના વર્લ્ડકપમાં ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. શ્રીલંકાના પ્રવાસ સાથે ગંભીરની કામગીરી શરૂ થશે. બોર્ડ પ્રમુખ રોજરબિન્ની અને સેક્રેટરી જય  શાહે ગંભીરના નામની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, ગંભીરની નિમણૂક સાથે ભારતીય ક્રિકેટમાં નવા પ્રકરણનો આરંભ થયો છે. ટી-ર0માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ રાહુલ દ્રવિડે ટીમ ઈન્ડિયાના કોચ તરીકે ડ્રેસિંગ રૂમ છોડી દીધો છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં શ્રીલંકાના પ્રવાસે જવાની છે, જે પહેલા ટીમને નવા કોચ મળ્યા છે.   પૂર્વ કોચ રાહુલ દ્રવિડને હેડ કોચ તરીકે વર્ષે રૂા. 1ર કરોડનો પગાર મળતો હતો. ગંભીરે કોલકાતા નાઈટ રાઈડર્સના કોચ તરીકે વિદાય લઈ લીધી છે અને ભારતીય ટીમના નવા કોચ તરીકે તેનું નામ લગભગ નિશ્ચિત હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang