નવી દિલ્હી, તા. 10 : ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટીનું કહેવું છે કે, ભારતમાં રહેવું તેમના માટે સૌભાગ્યની વાત છે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં એરિકે કહ્યું, જો ભવિષ્યની દુનિયા માટે કામ કરવા ઇચ્છો છો, તો તમારે ભારત ચોક્કસ આવવું જોઈએ. અહીં રહેવું મારા માટે સૌભાગ્યની વાત છે. અમેરિકા અને ભારતના સંબંધોનો ઉલ્લેખ કરીને ગાર્સેટીએ કહ્યું કે, અમેરિકી પ્રશાસન ભારત સાથે સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે, તેમણે કહ્યું, અમે અહીં ભણાવવા અને ઉપદેશ આપવા માટે આવતા નથી, પરંતુ અહીં સાંભળવા અને શીખવા માટે આવીએ છીએ. અમેરિકન રાજદૂતનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે 2024માં ભારતની આર્થિક વૃદ્ધિ આઠ ટકા રહેવાનો અંદાજ છે. આનાથી દેશના ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં પ્રવૃત્તિઓ વધશે. અગાઉ યુએસ સાંસદ રિચ મેક્કોર્મિકે કહ્યું હતું કે, `ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા દર વર્ષે છ-આઠ ટકાની વૃદ્ધિ કરી રહી છે. અન્ય દેશો સાથે કામ કરવાની તેમની ઇચ્છાના વખાણ કરવા જોઈએ. `તેમના નેતૃત્વ હેઠળ ભારત ખૂબ જ પ્રમાણિક જણાય છે, તે ટેક્નોલોજીની ચોરી કરવા માટે નહીં, પરંતુ તેને શેર કરવા માટે સંમત થાય છે, તે વિશ્વાસ આપે છે જે ટેક્નોલોજીને શેર કરવાનું સરળ બનાવે છે.' નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) પર અમેરિકી વિદેશ પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું, અમે 11 માર્ચે આવેલા સીએએ નોટિફિકેશનથી ચિંતિત છીએ. આ કાયદાનો અમલ કેવી રીતે થશે તેના પર અમે નજર રાખીશું. આ અંગે સ્પષ્ટતા આપતાં ગાર્સેટીએ તાજેતરમાં કહ્યું હતું કે, કેટલીકવાર અસહમતિ માટે પણ સંમતિ જરૂરી બની જાય છે. આ કાયદાનો અમલ કેવી રીતે થાય છે, તેના પર અમે નજર રાખીશું. મજબૂત લોકશાહી માટે ધાર્મિક સ્વતંત્રતા જરૂરી છે અને ક્યારેક આ અંગે વિચારવું અલગ છે. બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો છે. ઘણી વખત મતભેદો થાય છે, પરંતુ તે આપણા સંબંધોને અસર કરતું નથી.