સિનુગ્રાથી લુણી ગણેશ મંદિર જતા હતા ને કાળ આંબ્યો
ભુજ, તા. 15 : અંજાર
તાલુકાના સિનુગ્રાના 40 વર્ષીય કાનજી દેવજી માંગલિયા (મહેશ્વરી) અને તેનો
આઠ વર્ષીય પુત્ર રૂદ્ર બાઇકથી ગઇકાલે લુણી ગણેશ મંદિર જઇ રહ્યા હતા, ત્યારે લુણી-વડાલા વચ્ચે માર્ગમાં ગાય આડે આવતાં, બાઇક
પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઇજાનાં પગલે કાનજીભાઇ અને તેમના માસુમ
પુત્ર રૂદ્રનું મોત નીપજતાં પરિવાર અને સમાજમાં અરેરાટી વ્યાપી હતી. આ કરુણ બનાવ અંગે
મૃતક કાનજીના ભાઇ વિશ્રામ દેવજી મહેશ્વરીએ મુંદરા મરીન પોલીસ મથકે જાહેર કરેલી વિગતો
મુજબ ગઇકાલે સાંજે તે લુણી ગણેશ મંદિરે સમાજના સમૂહલગ્નના કાર્યક્રમમાં હતા,
ત્યારે તેમના માતા ગંગાબેનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે કાનજી અને
તેનો દીકરો રૂદ્ર બાઇક મારફતે સિનુગ્રાથી લુણી ગણેશ મંદિર આવી રહ્યા હતા, ત્યારે લુણી અને વડાલા વચ્ચે રોડ પર અકસ્માત સર્જાતાં બન્નેને 108 એમ્બ્યુલન્સ
દ્વારા મુંદરાની અદાણી હોસ્પિટલમાં ખસેડાયા છે. ફરિયાદી વિશ્રામભાઇ હોસ્પિટલ પહોંચતા
ત્યાં તેમના માતા અને બહેન હાજર હતા અને કાનજી તથા રૂદ્રને ઇમર્જન્સી વોર્ડમાં રાખ્યા
હતા. બન્નેના માથામાં ગંભીર ઇજાનાં પગલે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ફરિયાદીને
માતા ગંગાબેને જણાવ્યું કે, કાનજી અને રૂદ્ર બન્ને બાબુભાઇ
વિશરિયાની બાઇક નં. જીજે-12-બીએન- 8780વાળી સિનુગ્રાથી લુણી ગણેશ મંદિર
જઇ રહ્યા હતા, ત્યારે સાંજે વડાલા-લુણી માર્ગે સામેથી ગાય
વચ્ચે પડતાં અકસ્માત થતાં બન્ને બાઇક પરથી પડી જતાં માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. આમ,
કાનજીએ બાઇક પરથી કાબૂ ગુમાવી, ગંભીર અકસ્માત સર્જી
પોતાનું તથા તેમના દીકરા રૂદ્રનું મૃત્યુ નીપજાવ્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કરી તજવીજ
આદરી છે.