ભુજ, તા. 21 : ચેક પરત ફરવાના જુદા-જુદા કેસોમાં
આરોપીઓને કેદની સજા અને વળતર આપવાના આદેશો અદાલત તરફથી થયા છે. ફરિયાદી મે. ઓટો કંડલા
પ્રા.લિ.ની કાયદેસરની નીકળતી રકમ પેટે આરોપી પ્રમુખ એક્ઝીમ પ્રા.લિ.ના ડાયરેક્ટર શંભુ
આહીરે ફરિયાદી કંપનીનાં નામે રૂા. 25 લાખના બે ચેક ઇસ્યૂ કર્યા હતા, જે વણચૂકેલા પરત ફરતાં મે. ઓટો કંડલા પ્રા.લિ.ના
ડાયરેક્ટર ચંદન છગનભાઇ માહેશ્વરીએ પ્રમુખ એક્ઝીમ પ્રા.લિ.ના ડાયરેક્ટર શંભુ આહીર વિરુદ્ધ
ફરિયાદ દાખલ કરાવી હતી. આ કેસમાં અદાલતે આરોપીને કસૂરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ
તથા પચાસ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે. જો વળતર ભરવામાં કસૂર કરે તો વધુ બે માસની
કેદનો ચુકાદો આપ્યો છે. ફરિયાદી તરફે વકીલ દિનેશ જોબનપુત્રા, સતીશ ચૌધરી તથા કલ્પેશ પૂજારા હાજર રહ્યા હતા.
અન્ય કેસમાં આરોપી અમદાવાદના બલદેવ નરશી ચૌહાણે ધંધાકીય સંબંધના
નાતે ફરિયાદી દશરથસિંહ અનોપસિંહ જાડેજા (રહે. માધાપર) પાસેથી રૂા. 6.50 લાખ હાથ ઉછીના લીધા હતા. આ
ઉપરાંત તેણે ફરિયાદી સંજય અમુદાનભાઇ ગોરવિયાલા પાસેથી રૂા. 5.25 લાખ લીધા હતા. આ રકમ ચૂકવવા
ત્રણ ચેક આપ્યા હતા, જે અપૂરતા
ભંડોળના લીધે પરત ફરતાં ભુજની કોર્ટમાં કેસ દાખલ કરાવાયો હતો. કોર્ટે આરોપી બલદેવને
તકસીરવાન ઠેરવી દરેક કેસમાં એક-એક વર્ષની જેલની સજા તથા ચેકની રકમની બમણી રકમનું દંડ
સહિત વળતરરૂપે ફરિયાદીને ચૂકવવા હુકમ કર્યો છે. આ ત્રણે કેસમાં ફરિયાદી એડવોકેટ તરીકે
સંજય પી. કેનિયા, જશોદા એન. મહેશ્વરી, રઝિયા
એ. ચાકી તથા અશ્વિન વી. ભર્યા હાજર રહ્યા હતા.
ભુજના આરોપીને એક વર્ષની કેદ તથા વળતર ચૂકવવા હુકમ
આરોપી ઠક્કર આરોશ દેવેન્દ્ર કલ્યાણ (રહે. ભુજ) વિરુદ્ધ ફરિયાદી
અબ્દુલ રહીમ કાનજી દયાનીએ રૂા. 80 હજારની ફરિયાદ
દાખલ કરાવી હતી. બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની
સાદી કેદ તથા રૂા. 1,04,000 આરોપીએ
છ માસની અંદર ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. ફરિયાદી તરફે એડવોકેટ તરીકે
એસ. એમ. ખન્ના, કે. એમ. ચારણિયા,
બી. પી. ગોર, કે. કે. સોલગામા, એમ. આર. ખીમસુરિયા હાજર રહ્યા હતા.