ગાંધીધામ, તા. 21 : ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસેના
ગટરનાં પંપિંગ સ્ટેશન-1થી પંપિંગ
સ્ટેશન-2 તરફ જતી મુખ્ય ગટર લાઈનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના
સર્વિસ રોડ ઉપર ભંગાણ પડતાં ગટરની ગંભીર સમસ્યા સર્જાઇ છે, દૂષિત પાણીથી રેલવે સ્ટેશન પાસે ભારે કફોડી
હાલત બની છે, દુર્ગંધના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. જાણ થતાં તંત્ર દ્વારા દૂષિત પાણી વરસાદી નાળાંમાં
છોડવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા કંપનીને તાકીદ કરીને લાઈનની મરંમત કરાવે છે જરૂરી
છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોનું ગટરનું દૂષિત પાણી વેલસ્પન કંપની તેના પ્લાન્ટ
ઉપર લઈ જાય છે. તત્કાલીન સમયની નગરપાલિકાએ કરાર કર્યો હતો કે, દૂષિત પાણી લઈ જવાના બદલામાં કંપની દર વર્ષે લગભગ 25 લાખ રૂપિયા મહાનગરપાલિકાને
આપે છે. કંપની દ્વારા પંપિંગ સ્ટેશન તેમના હસ્તક લેવામાં આવ્યા હતા, જે પૈકીના ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસેના પાંપિંગ
સ્ટેશન-1ની મુખ્ય લાઈન રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ
રોડ થઈને પંપિંગ સ્ટેશન -2 તરફ જાય છે, તે સર્વિસ રોડ ઉપર આરતી હોટલ નજીક બેસી ગઈ હોવાથી ગટરની ગંભીર સમસ્યા સર્જાઇ
છે અને દૂષિત પાણી રેલવે સ્ટેશનની પાછળ ભરાયું છે. વ્યાપક દુર્ગંધ આવતી હોવાના કારણે
લોકો તેમજ પ્રવાસીઓ અને રેલવે પ્રશાસનને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકાના
વહીવટી તંત્રને મુખ્ય લાઈનમાં ભંગાણની જાણ થતાં જ દૂષિત પાણીને વરસાદી નાળાંમાં વાળવામાં
આવ્યું છે. આ મુખ્ય લાઈનમાં ભારતનગર, શક્તિનગર, સુંદરપુરી સહિતના મોટાભાગના વિસ્તારોથી ગટરનું દૂષિત પાણી આવે છે. આ ઉપરાંત
આદિપુરથી પણ પાણી આવતું હોવાનું સૂત્રો કહી રહ્યા છે, લાઈનની તાકીદે મરંમત કરવામાં નહીં આવે, તો સમસ્યા વધવાનીની સંભાવના છે. મહાનગરપાલિકા દ્વારા વેલસ્પન કંપનીને સૂચના
આપીને તુરંત લાઈનની મરંમત કરાવવામાં આવે તે જરૂરી છે.