• મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026

યાત્રિકોનાં આગમન માટે માતાના મઢ થાય છે સજ્જ

ગિરીશ જોષી દ્વારા : માતાના મઢ, તા. 21 : દેશદેવી આશાપુરા માતાજીના પ્રાગટય સ્થાનક માતાના મઢે આસો નવરાત્રિ- ભાદરવા વદ અમાસ તા. 10-10-2026ની રાત્રિએ 9:30 કલાકે ઘટસ્થાપન રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે પરંપરા  અનુસાર કરવામાં આવશે. આ માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આસો સુદ એકમ નવરાત્રિનો પ્રારંભ થશે. બીજા નોરતે સવારના 8:15 કલાકે માતાજીનાં મંદિરે ધ્વજા ચઢાવવામાં આવશે. તા. 18-10-2026 અને રવિવાર આસો સુદ સાતમની રાત્રિએ સપ્તમી હવનનો પ્રારંભ રાત્રે 8:30 વાગ્યે થશે અને હવનની પૂર્ણાહુતિ (શ્રીફળ હોમ) રાત્રે 12:15 વાગ્યે થશે. આસો સુદ આઠમના તા. 18ના સવારના ભાગે કચ્છ રાજપરિવાર દ્વારા પતરીવિધિ સંપન્ન થશે. આસો સુદ દશમીના તા. 20-10-2026 માતાજીના ગરબા, બપોરે 12:35 વાગ્યે વિસર્જન કરવામાં આવશે. આસો નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ચાલી રહી છે. દર્શનાર્થીઓને નવરાત્રિ દરમિયાન મંદિરના ગેટ નંબર ચારથી પ્રવેશ આપવામાં આવશે અને દર્શન બાદ ગેટ નંબર 1,2,3માંથી દર્શનાર્થીઓ મંદિર પરિસરમાંથી બહાર નીકળી શકશે તેવું મઢ જાગીરના મેનેજર મયૂરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. બીજી બાજુ માતાના મઢ ગ્રામ પંચાયત સરપંચ કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ 300થી વધુ પ્લોટ અહીં આવતા ધંધાર્થીઓને ફાળવવામાં આવશે. આખા માતાના મઢમાં દિવસના 3 વખત સફાઈકાર્ય કરાવવામાં આવશે. સ્વચ્છતા ઉપર ધ્યાન રખાશે. ગામલોકોના ઘરોમાં 24 કલાકમાં બે વખત પીવાનું પાણી વિતરણ કરવાની યોજના છે. દરમ્યાન નખત્રાણા પ્રાંત અધિકારીનાં અધ્યક્ષસ્થાને તંત્રની વ્યવસ્થા માટે બેઠકનું આયોજન થતું હોય છે. તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી આયોજન કરતા હોય છે, પણ હજી સુધી આ અગત્યની મિટિંગ સરકારી તંત્ર દ્વારા થઈ નથી. એટલે સ્થાનિક પ્રશાસન મૂંઝવણમાં મુકાયું છે. આવતા પદયાત્રીઓ સહિતના શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 500થી વધુ પોલીસ, મહિલા પોલીસ, જી.આર.ડી. સહિતનો સ્ટાફ રાખવામાં આવતો હોય છે. પૂર્વ-પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સામખિયાળીથી માતાના મઢ સુધી ચુસ્તપણે સેવાઓ અપાતી હોય છે. મઢમાં 500થી વધુ પોલીસ બંદોબસ્ત હોવા છતાં છેલ્લા પાંચ-સાત વર્ષથી મઢમાં પાકિટમારી, સોનાની ચેઈન, મંગળસૂત્ર ખેંચાઈ જાય છે તેવી ફરિયાદ ઊઠી રહી છે. ગત વર્ષે પનવેલના એક દર્શનાર્થીની ચાર તોલાની સોનાંની ચેઈન મંદિર પરિસરમાં ખેંચાણી હતી. આવી એક ડઝનથી વધુ ફરિયાદ ગયા આસો નવરાત્રિ દરમિયાન આવી હતી તેવા પ્રશ્ન ઊઠી રહ્યા છે. આ વર્ષે પોલીસ પ્રશાસન ચુસ્તપણે ધ્યાન આપશે તેવી અપેક્ષા લોકો રાખી રહ્યા છે. આસો નવરાત્રિ દરમિયાન મઢમાં તથા ભુજથી મઢ સુધીના માર્ગ ઉપર પદયાત્રી કેમ્પમાં નર્મદાનું પાણી પીવા માટે મળી રહે એ જરૂરી છે. દર વખતે પીવાનાં પાણીની ખેંચ આ દિવસોમાં આવે છે. લખપત તાલુકાની વસ્તી 60 હજારની છે. તેટલા લોકો નવરાત્રિ દરમિયાન અહીં રોજ આવે છે. તેમાંય રવિવારના દિવસોમાં યાત્રીઓની સંખ્યા એક લાખથી ઉપર હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખી પીવાનાં પાણીનો જથ્થો ઉપરથી વધુ આવે તેવી માંગ અત્યારથી જ કરવામાં આવી હતી. ગત વર્ષે એસ.ટી. વિભાગ દ્વારા મઢના હંગામી ડેપો પર બસો ખૂટી હતી, એટલે વધુ બસો ફાળવવા અનુરોધ કરાયો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd