નાગોયા, તા. 20 : જાપાનના આઈચી-નાગોયા ખાતે રમાઈ
રહેલી એશિયન ગેમ્સ 2026ની બીજી સેમિફાઇનલમાં
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને 114 રનનાં મસમોટાં અંતરથી હરાવી વટભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
જ્યાં શ્રીલંકા સામે ટક્કર થશે. શેફાલી વર્માએ વિસ્ફોટક સદી ફટકારી હતી. ભારતીય ટીમે
20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 195 રન બનાવ્યા હતા, જેના જવાબમાં બાંગલાદેશની ટીમ માત્ર 81 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય
ટીમ પાસે હવે સળંગ બીજો ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. ભારતને ઓપનર સ્મૃતિ મંધાના
અને શેફાલી વર્માએ આક્રમક શરૂઆત અપાવી હતી. મંધાનાએ માત્ર 19 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.
બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 5.6 ઓવરમાં જ
72 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાઈ
હતી. શેફાલી વર્માએ માત્ર 49 બોલમાં 9 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી અણનમ 100 રન ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત
કૌરે 33 બોલમાં 6 ચોગ્ગા સાથે 40 રનનું યોગદાન આપ્યું હતું.
બાંગલાદેશની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. તેણે સતત વિકેટો ગુમાવી હતી. દીપ્તિએ
2.4 ઓવરમાં માત્ર 7 રન આપીને 3 સફળતા મેળવી હતી. જ્યારે નંદિની શર્માને
પણ ત્રણ વિકેટ મળી હતી. આ ઉપરાંત શ્રી ચરણીને બે,
તથા ક્રાંતિ ગૌડ અને શ્રેયંકા પાટિલને 1-1 વિકેટ મળી હતી. - સિક્સરની
સદી મારી શેફાલીએ સ્મૃતિનો રેકોર્ડ તોડયો : નવી દિલ્હી, તા. 20 : ભારત અને બાંગલાદેશ વચ્ચે રમાયેલી વિમેન્સ એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં
શેફાલી વર્માએ આક્રમક બાટિંગથી મેદાનમાં તરખાટ મચાવ્યો હતો. વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન
તેણે બાંગલાદેશી બોલરોની ધોલાઈ કરી હતી, અને ક્રિકેટના નવો ઇતિહાસ પણ રચ્યો હતો. આ શાનદાર પ્રદર્શન સાથે શેફાલી હવે
મહિલા ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા ફટકારનારી
મહિલા ખેલાડી બની ગઈ છે. આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા માટે તેણે પોતાની જ સાથી ઓપનર
સ્મૃતિ મંધાનાનો મોટો રેકોર્ડ તોડયો છે. નોંધનીય છે કે, સ્મૃતિ મંધાનાના નામે આ ફોર્મેટમાં 100 છગ્ગા નોંધાયેલા છે. બાંગલાદેશ
સામેની આ સેમિફાઇનલ ઇનિંગ્સમાં પોતાનો છઠ્ઠો છગ્ગો ફટકારતાની સાથે જ શેફાલીએ આ મહત્ત્વપૂર્ણ
રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો હતો. વિશ્વ ક્રિકેટના આંકડાઓ પર નજર કરીએ તો શેફાલી
વર્મા સૌથી વધુ છગ્ગા ફટકારનારી મહિલા બેટર્સની વૈશ્વિક યાદીમાં પણ છલાંગ લગાવીને ચોથા
સ્થાને પહોંચી ગઈ છે.