નવી દિલ્હી, તા. 21 : એપલપે અંતે
ભારતમાં આવવાનું છે. રિપોર્ટ મુજબ એપલ ઓક્ટોબરમાં ભારતમાં પોતાની પેમેન્ટ શરૂ કરી શકે
છે. શરૂઆતમાં એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડને એપલ પેમાં જોડી શકાશે. ત્યારબાદ ધીરે ધીરે
બીજી બેંકના કાર્ડ પણ જોડી શકાશે. એપલપેની શરૂઆત 2014માં થઈ હતી અને ભારતમાં તેની એન્ટ્રીને 12 વર્ષ લાગ્યા છે. હવે કંપની
ભારતમાં ઝડપથી વધતા ડિજીટલ પેમેન્ટ બજારમાં ઉતરવાની તૈયારીમાં છે. ભારતમાં એપલ-પેની શરૂઆત થોડી અલગ થઈ શકે છે. અત્યાર
સુધીમાં સામે આવેલી માહિતી અનુસાર શરૂઆતમાં એપલ-પેથી યુપીઆઈ પેમેન્ટ થઈ શકશે નહી. એટલે
કે ફોનપે કે ગુગલપેની જેમ ક્યુઆર કોડ સ્કેન કરીને પૈસા મોકલવા માટે એપલપેનો ઉપયોગ થઈ
શકશે નહી. એપલપેનો ઉપયોગ ખુબ સરળ રહેશે જો એપલપેમાં કાર્ડ જોડાયેલું હશે તેમજ દુકાને
કોન્ટેક્ટલેસ કાર્ડ મશીન હશે. આવી સ્થિતિમાં આઈફોન કે એપલ વોચને મશીન પાસે લઈ જઈને
પેમેન્ટ કરી શકાશે. આઈફોનમાં ફેસ આઈડી કે ટચ આઈડીથી પહેલા પોતાની ઓળખ બતાવવી પડશે અને
બાદમાં પેમેન્ટ થઈ જશે. આ માટે દર વખતે કોઈ અલગ પેમેન્ટ એપ ખોલવાની જરૂર રહેશે નહી.
એપલપે કાર્ડની જાણકારી ફોનમાં સુરક્ષિત રાખે છે.