મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 21 : તાજેતરમાં
`35 એવોર્ડસ'ની `ઓરેન્જ કલર' ફોટોગ્રાફી કોન્ટેસ્ટમાં નખત્રાણાના
દેવાંગ ડાહ્યાલાલ સોનીની `કોમન ક્રેન' તસવીરે ટોપ વન પરસેન્ટમાં સ્થાન મેળવ્યું છે.
ખાસ વાત એ છે કે, આ એક જ તસવીરે 35 એવોર્ડની અલગ-અલગ સ્પર્ધાઓ
અને કેટેગરીમાં અનેક સિદ્ધિઓ મેળવી હતી. આ જ `કોમન ક્રેન' તસવીરે બર્ડસ 2022 સ્પર્ધામાં
ટોપ ઈલેવન પરસેન્ટ, મુખ્ય સ્પર્ધામાં વાઈલ્ટ લાઈફ નામાંકનમાં ટોપ-70 તેમજ વાઈલ્ડ લાઈફ શ્રેણીના
ટોપ-200 ફોટોગ્રાફર્સમાં સ્થાન મેળવ્યું
છે. મોટી વિરાણીના પ્રતિનિધિ ઉમર ખત્રીએ જણાવ્યું હતું કે, મુખ્ય કોન્ટેસ્ટમાં વિશ્વના 174 દેશમાંથી 1,24,827 લોકોએ ભાગ લીધો હતો અને કુલ
આશરે 4.70 લાખ તસવીર સબમિટ કરવામાં આવી
હતી. આટલી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં એક જ તસવીરનું વિવિધ કેટેગરીમાં સ્થાન મેળવવું
નોંધપાત્ર સિદ્ધિ છે. આ ઉપરાંત, નિકોન
ઈન્ડિયા દ્વારા આયોજિત ફોટોગ્રાફી સ્પર્ધામાં પણ દેવાંગ સોનીની આ તસવીરે ટોપ-10માં સ્થાન મેળવ્યું હતું, આમ એક જ તસવીરે વિવિધ પ્રતિષ્ઠિત ફોટોગ્રાફી
સ્પર્ધાઓમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. તસવીરમાં નારંગી રંગથી રંગાયેલાં આકાશમાં તેજસ્વી
સૂર્ય અને તેની સામે મોટી સંખ્યામાં ક્રેન્સને સુંદર રીતે કેદ કરવામાં આવ્યાં છે. કચ્છની
પ્રકૃતિ અને પક્ષીજીવનને પોતાના કેમેરામાં કેદ કરતા દેવાંગ સોનીને અગાઉ પણ એક એવોર્ડ
મળી ચૂક્યા છે.