કોટડા (ચકાર) (તા. ભુજ), તા. 21 : કચ્છમાં લગભગ
એક જ રબારી માલધારીઓનો ભાતીગળ ભેડ માતાજીનો મેળો તા. 25/9 શુક્રવારે ભરાશે. આ મેળામાં
પશુપાલકો પોતાના ઘેટાં-બકરાં-ઊંટો સહિત સહકુટુંબ મેળાનો આનંદ માણશે. ભેડ માતાજી-સરાણ
માતાજીનો મેળો એક જ દિવસે ઊજવાશે. 25/9 શુક્રવારે ભુજ તાલુકાના ચકાર,
મોટા બંદરાના સીમાડે ભેડિયા ડુંગર પર બિરાજમાન મોમાય માતાજી,
ભેડ માતાજીનો મેળો કચ્છમાં એકમાત્ર પશુપાલકોના મેળા તરીકે જાણીતો છે.
ભેડ માતાજીની બાજુમાં સરાણ માતાજી ખાતે રબારી પશુપાલકો-માલધારીઓ પોતાના પશુઓ સાથે મેળો-જાતર
માણવા મોટી સંખ્યામાં ઊમટે છે. આ વરસે પાછોતરા વરસાદે ભેડ માતાજીના ડુંગરાળ પ્રદેશમાં
ધરતીએ લીલી ચાદર ઓઢી છે. ભૂખી નદીના કાંઠે આવેલા ભેડ માતાજી મંદિરે લીલીછમ ડુંગરાળપટ્ટીમાં
ઠેરઠેર પાણી -ઝરણાએ રંગત લાવી દીધી છે. માલધારીઓ તેમના ઊંટો-ઘેટાં-બકરાં-ગાયો સહિતના
પશુઓ સાથે સરાણ માતાજીએ આવી વિવિધ કાર્યક્રમો યોજે છે. આરાધીવાણી, રબારી બહેનોના ભક્તિગીતો, રાસ તેમજ રાત્રે માતાજીનો ખીરનો
પ્રસાદ, રબારી બાળકોનાં નામકરણ તેમજ ભજનભાવ યોજવામાં આવે છે તથા
ભેડ માતાજીના મુખ્ય મંદિરે પ્રસાદ તેમજ સાંજે ભાવિકો દ્વારા મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં
જાડેજા ભાયાત-રબારી સમાજ તેમજ અન્ય મોમાયભક્તો મોટી સંખ્યામાં રમણીય સ્થળે ડુંગર પર
મોમાય માતાજીનાં દર્શન કરશે.