ભુજ, તા. 15 : કોઇ પણ જાતના ઓટીપી વિના ઓનલાઇન
ઠગાઇના બનાવો વધી રહ્યા છે. તે વચ્ચે માધાપરના યુવાનનાં ક્રેડિટ કાર્ડમાંથી પણ વહેલી
સવારે યુ.એસ. ડોલરના પાંચ ટ્રાન્ઝેકશન કરી કુલે રૂા. 1,43,702.95 સેરવી લઇ છેતરપિંડી કર્યાની
ફરિયાદ નોંધાઇ છે. આ અંગે માધાપરના બાપા દયાળુનગર-3માં રહેતા ભાવિન નટવરલાલ સુથારે નોંધાવેલી ફરિયાદ મુજબ તે એયુ
સ્મોલ ફાઇ. બેન્કનું સેવિંગ ખાતું ધરાવતા હોવાથી તેમની પાસે તે બેન્કનું ક્રેડિટ કાર્ડ
છે. છેલ્લે તેમણે તા. 11-9ના બપોરે
રેડ બસની એપ મારફત ઓનલાઇન બસનું બૂકિંગ કર્યું હતું. બાદમાં તા. 12-9ના સવારે બેન્કમાંથી ફોન આવ્યો
હતો અને જણાવ્યું કે, રાત્રે તમારાં
ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ પાંચ ટ્રાન્ઝેકશન થયાં છે, જે તમે
કર્યાં છે ? તેવું પૂછતાં ફરિયાદીએ ના પાડી બાદમાં કાર્ડ બંધ
કરાવી નાખ્યું હતું. ફરિયાદીએ પોતાનો ફોન તપાસતાં પાંચેક વાગ્યાના અરસામાં તેમનાં ક્રેડિટ
કાર્ડમાંથી યુએસડી 300.30ના એમેઝોન
વેબ સર્વિસીસમાં ગયાના પાંચ મેસેજ હતા. આમ તેમના ક્રેડિટ કાર્ડમાંથી અલગ-અલગ પાંચ ટ્રાન્ઝેકશનથી
કુલે રૂા. 1,43,702.95 ઊપડી જતાં સાયબર ફ્રોડ સંબંધે
ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.