ગાંધીધામ, તા. 2 : શહેરના નવી સુંદરપુરી વિસ્તારના
ભરવાડવાસમાં ધોળા દિવસે માત્ર પોણા કલાકમાં ઘરનાં તાળાં તોડી તસ્કરોએ રૂા. 4,35,500ની મતાનો હાથ માર્યો હતો. શહેરના
નવી સુંદરપુરી વિસ્તારના ભરવાડવાસમાં ગઈકાલે બપોરે આ ચકચારી બનાવ બન્યો હતો. અહીં રહેતા
શ્રમિક એવા મોતીભાઈ ભુરા તોડિયા (ભરવાડ)ના ઘરમાં તસ્કરોએ હાથ માર્યે હતો. આ વૃદ્ધ ફરિયાદી
તેમના પત્ની તથા દીકરી આદિપુરની ભૂમિ હોટલમાં કામ કરતા હોવાથી સવારે નવેક વાગ્યે ત્યાં
જવા નીકળ્યા હતા. ત્યારે તેમનો દીકરો વિપુલ બીજા રૂમમાં સૂતો હતો. દરમ્યાન 11:20ના અરસામાં વિપુલ બહાર નીકળ્યો
હતો અને બપોરે 12 વાગ્યાના અરસામાં ફરિયાદી તેમના
પત્ની અને દીકરી ઘરે આવતાં ઘરનાં તાળાં તૂટેલાં જણાયાં હતાં.આ બંધ ઘરનાં તાળાં તોડી
તસ્કરોએ સરસામાન વેરવિખેર કરી ઘરમાંથી સોનાનો સાડા પાંચ તોલાનો હાર, બે તોલાની સોનાની બુટી, દોઢ તોલાની સોનાની ઘરગડી, સોનાના દોઢ તોલાના જપલા,
સોનાની વીંટી ચારઆની, સોનાની એક તોલાની ફેરવાળી
બુટી, 250 ગ્રામ ચાંદીના પટ્ટા, 200 ગ્રામના પટ્ટા, 500 ગ્રામનો ચાંદીનો
કેડકંદોરો, 300 ગ્રામનો કંદોરો, ચાંદીના સાંકળા તથા રોકડ રૂા. 40,000 એમ કુલ રૂા. 4,35,500ની મતાનો હાથ મારી તસ્કરો પલાયન થઈ ગયા હતા. શ્રમિકના ઘરમાંથી
લાખોની ચોરીના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. બેફામ બનેલા તસ્કરોએ ધોળા દિવસે
હાથ મારતાં લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.