ભુજના બનાવ અંગે
ત્રણ સામે ફરિયાદ : નાગોરના રિક્ષાચાલકને પણ વરધીના બહાને લઈ જઈ લૂંટ ચલાવાઈ
ભુજ, તા. 12 : લુખ્ખા તત્ત્વો
ભારે બેફામ બન્યા હોવાથી ચોરી-ચપાટી,
લૂંટના બનાવો સમયાંતરે સામે
આવતા રહે છે, પરંતુ હવે તો હદ થઈ ગઈ છે... આવા લૂંટારુઓ શ્રમજીવીઓને
પણ મુકતા નથી. જેને લઈ બે કિસ્સા સામે આવ્યા છે. ભુજમાં ત્રણ લુખ્ખાએ ચટપટીવાળાને તેઓના
ઘરે મહેમાન આવ્યા હોવાથી મહેમાનોને ચટપટી ખવડાવવા અવાવરુ જગ્યાએ લઈ જઈ લૂંટી લીધો હતો,
જ્યારે અન્ય એક કિસ્સામાં નાગોરના રિક્ષાચાલકને બાચકા ભરવાના બહાને લઈ
જઈ લૂંટી લેવાયો હતો. મૂળ ઉત્તરપ્રદેશના પણ છેલ્લા વીસેક વર્ષથી ભુજમાં ચણા ચટપટીનું
વેચાણ કરતા રણવીર ઓમપ્રકાશ રાઠોડે આજે એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે
બાઈકથી ચટપટીના વેચાણ માટે દહીંસરા, કેરા, બળદિયા બાજુ તે ગયા હતા અને રાતે વળતા હતા ત્યારે બાલાજી ગ્રીન્સ પાસે એક સફેદ
એક્ટિવા ત્રિપલ સવારીવાળા તેની આગળ-પાછળ થવા લાગ્યા હતા અને શનિદેવ મંદિર પાસે 20-25 વર્ષના આ યુવાનોએ તેને રોકાવી જણાવ્યું કે, અમારા ઘરે મહેમાન આવ્યા છે અને પ્રોગ્રામ
છે, તમે અમારી સાથે મહેમાનોને ચટપટી ખવડાવવા ચાલો, તમારા જે પૈસા થશે તે આપી દેશું. ફરિયાદીએ હા પાડતાં તેઓએ કહ્યું, અમે આગળ-આગળ ચાલીએ તમે અમારી પાછળ-પાછળ આવો. મોચીરાઈથી દંતેશ્વર મંદિર તરફ
લઈ જતાં ફરિયાદીને ગડબડ લાગતાં તેણે કહ્યું, હું આગળ નહીં ચાલું.
આથી તેઓએ બાઈકની ચાવી કાઢી અને ફરિયાદીના ખિસ્સામાં બળજબરીથી હાથ નાખી પાંચ હજારનો
મોબાઈલ અને ચટપટીના વેપારના રોકડા રૂા. 4000 એમ કુલ રૂા. 9000ના
મુદ્દામાલની લૂંટ ચલાવી ઢીકાપાટુ વડે માર મારવા લાગ્યા અને એક પથ્થર ઉપાડી મારવા લાગ્યો
હતો. ત્રણે એકબીજાનું નામ નરેશ, હાર્દિક, કપિલ એવું બોલતા હતા. કંઈક આવી જ એક પ્રકારની
લૂંટની અન્ય એક ફરિયાદ માધાપરના પોલીસ મથકે નાગોરના રિક્ષાચાલક ખીમજીભાઈ મનુભાઈ કાતરિયાએ
નોંધાવી છે, જેમાં બપોરે એક શખ્સે પેસેન્જર બનીને આવી કહ્યું
કે, કોડકી-રતિયા બાજુ જવાનું છે ત્યાંથી ઘઉંના બાચકાને ભીડ લઈ
આવવાના છે. તમારું જે ભાડું થશે, તે આપી દઈશ. રતિયા ગામ તરફ જતા
કાચા રસ્તે રિક્ષામાં બેઠેલા ઈસમે રિક્ષામાંથી ચાવી કાઢી લીધી એટલીવારમાં એક્ટિવાથી
અન્ય એક આવી ગયો. બંનેએ કહ્યું કે, તમારી પાસે જે રૂપિયા હોય
તે આપી દો અને ખિસ્સામાં રહેલા રૂા. 1500 ઝૂંટવી
લીધા હતા. ફરિયાદી પ્રતિકાર કરવા જતાં પથ્થરની માર માર્યો હતો. બંને એક્ટિવાથી નાસવા
લાગતાં એક્ટિવાના નંબર જોતા જીજે-12-એચઈ-514 દેખાયા. એક્ટિવાની નંબરપ્લેટ વળી ગયેલી હોવાથી છેલ્લો
નંબર વાંચી ન શકાયાનું ફરિયાદમાં લખાવાયું છે.
એક સરખી મોડસ ઓપરેન્ડી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બન્ને બનાવમાં શ્રમજીવીને જ નિશાન
બનાવાયા છે અને ચાવી કાઢી લેવી, પથ્થરની માર જેવી એક સરખી જ મોડસઓપરેન્ડી
અપનાવાઈ છે. આમ બન્ને લૂંટના આરોપીઓ એક જ હોવાની સંભાવના જોવાઈ રહી છે.