• મંગળવાર, 14 જુલાઈ, 2026

નર્મદા કેનાલમાં આગળ ભંગાણ પડતાં કચ્છ માટે દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિ

રાપર, તા. 13 : કચ્છ શાખા નહેરની સાંકળ 46.50 કિ.મી. પર સાઈડ સ્લીપ બેસી ગયો હતો, જેના કારણે પાણીનો જથ્થો ઓછો કરી દેવાયો હતો. જો કે, વધુ નુકસાન અટકાવવા ઇજનેરોએ સ્થળ મુલાકાત લઈ તાબડતોડ રિપારિંગની કામગીરી ચાલુ કરી દીધી હતી. આજે સવારના અરસામાં સાઈડમાં ગાબડાં પડયાં હતાં. જેના કારણે વ્યાપક પાણીના જથ્થાનો બગાડ થયો હતો.  બનાવની જાણ થતાં નર્મદા નિગમ દ્વારા સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી. સમારકામ માટે 1200 ક્યુસેક જથ્થાને ઘટાડી બપોરે 900 અને સાંજે 600 ક્યુસેક કરી દેવામાં આવ્યો હતો. ટૂંકા ગાળામાં રિપારિંગ કામ પૂર્ણ કરી ફરીથી રાબેતા મુજબ પાણીનો જથ્થો ચાલુ કરી દેવામાં આવશે તેવું માહિતગાર વર્તુળમાંથી જાણવા મળ્યું હતું. જાણકાર વર્તુળોમાંથી જાણવા મળતી માહિતી મુજબ કચ્છ શાખા નહેરની સાંકળ 40થી સાંકળ 260 સુધીમાં તેમજ ગાગોદર સબ બ્રાન્ચ કેનાલની સાંકળ 40થી 46 વચ્ચે બંને સાઈડમાં રહેલી માટી ચીકણી અને વજનદાર હોય છે આથી અમુક આવા સ્થળોએ કેનાલની એક સાઇડ અથવા બંને સાઈડ ધસી પડે છે. ખાસ કરીને કટિંગ ભાગમાં આવું વારંવાર બનતાં કેનાલ તૂટવાનો ભય ઓછો રહે છે, પરંતુ માટીનો વિશાળ જથ્થો કેનાલમાં ધસી પડતાં પાણીનો જથ્થો ડિઝાઇન પ્રમાણે વહેવડાવી શકતો નથી. આવા કામો કરવા નર્મદા નિગમ દ્વારા ઘણા વર્ષોથી અલગ-અલગ પ્રકારની કામગીરી કરાઈ છે અને વિવિધ પ્રકારના પ્રયોગો કરાય છે, પરંતુ ગંભીરતાથી નહીં લેવાય તો ભવિષ્યમાં કચ્છ જિલ્લામાં વધારાના પાણીથી ડેમો ભરવા જરૂરી જથ્થો વહેવડાવવામાં તકલીફ પડશે. ટૂંક સમયમાં ભંગાણ રિપારિંગ થઈ જતાં જથ્થો પૂર્વવત કરી દેવામાં આવશે. હાલમાં આમ પણ વરસાદ ખેંચાતાં આ ભંગાણે ખેડૂતોની ચિંતા વધારી દીધી હતી.

Panchang

dd