• મંગળવાર, 14 જુલાઈ, 2026

ગાંધીધામમાં ઘરમાં ઘૂસી લૂંટ ચલાવનારા સાત રીઢા ગુનેગારની ધરપકડ

ગાંધીધામ, તા. 13 : શહેરના ગણેશનગર વિસ્તારમાં એક ઘરમાં ઘૂસી લૂંટ કરી ધાડ પાડનારા આરોપીઓ પૈકી સાત શખ્સની પોલીસે વિધિવત રીતે અટક કરી હતી અને બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. શહેરના ગણેશનગર, સેક્ટર-6માં આવેલા એક ઘરમાં ઘૂસી આરોપીઓએ મહિલાને માર મારી ઘરમાંથી રોકડ રકમ તથા દ્વિચક્રી વાહનની લૂંટ કરી નાસી છૂટયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે ફરિયાદ નોંધી સી.સી.ટી.વી. કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ તથા ખાનગી બાતમીદારોના આધારે તપાસ હાથ ધરી હતી અને માળિયાના ફારૂક દિલાવર ઝેડા, સાહિલ અબ્દુલ મોવર, ઈબ્રાહીમ મુસ્તાક કાજડિયા, હુશેન ઈકબાલ ભટ્ટી, લતીફ હૈદર કાજડિયા તથા ગાંધીધામના મૂળ ઉત્તરપ્રદેશના નિઝામુદીન ઈસરાવળ મોહમ્મદ અંસારી અને મેરાજઅલી રમજાનઅલી નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી મોબાઈલ, રોકડ રકમ, છરી, ધોકા નંગ-6, જ્યુપીટર જીજે-39-જે-8959 તથા ગુનામાં વપરાયેલ બાઈક નંબર જીજે-36-બીએ-2485, ઈકો કાર નંબર જીજે-36-એજે-4738 તથા પેટ્રોલની વાસવાળી ખાલી બોટલ જપ્ત કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ પૈકી ફારૂક ઝેડા સામે મોરબી, માળિયા, સામખિયાળીમાં રાયોટિંગ, હત્યાની કોશિશ, લૂંટ, આર્મ્સ એક્ટ, દારૂ સહિત 20થી વધુ ગુના નોંધાયેલા છે. સાહિલ મોવર સામે મોરબી પોલીસ મથકે લૂંટ સાથે હત્યાનો ગુનો તથા હુશેન ભટ્ટી સામે માળિયા, લાકડિયા પોલીસ મથકે હત્યાની કોશિશ, જુગાર, દારૂ સહિત ચાર ગુના નોંધાયેલા છે. પકડાયેલા આરોપીઓને સાથે રાખીને પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, ત્યારે આરોપીઓને જોવા લોકો ઊમટયા હતા.

Panchang

dd