નવી
દિલ્હી,
તા. 13 : સુપ્રીમ કોર્ટે સોમવારે એક ધ્યાન ખેંચે તેવા
મહત્ત્વના નિર્દેશમાં જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિની
નાગરિકતા અથવા વિદેશી હોવાનો ફેંસલો નિષ્પક્ષ, કાનૂની અને
ઉચિત પ્રક્રિયા દ્વારા જ થવો જોઇએ. આસામના 27 લોકોને વિદેશી ઘોષિત
કરવાના મામલામાં ગુવાહાટી હાઇકોર્ટે આપેલા ફેંસલાને રદ કરતાં સુપ્રીમે આ નિર્દેશ
આપ્યો હતો. જસ્ટિસ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરતાં
કહ્યું હતું કે, નાગરિકતા અને વિદેશી હોવાનો સવાલ બંધારણ અને
કાયદા સાથે જોડાયેલો બેહદ મહત્ત્વપૂર્ણ વિષય છે. તમામ મામલા ફરીવાર સુનાવણી માટે
ફોરેનર્સ ટ્રિબ્યુનલને મોકલી દેવાયા હતા. આ લોકોને ટ્રિબ્યુનલે જ વિદેશી ઘોષિત
કર્યા હતા. જો કે, સર્વોચ્ચ અદાલતે એ નક્કી કર્યું નહોતું કે,
અરજદારો ભારતીય નાગરિક છે કે નહીં. તમામ 27 અરજદારની
નાગરિકતા પર અંતિમ ફેંસલો ટ્રિબ્યુનલ જ કરશે, તેવું અદાલતે
જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આસામના 27 અરજદારના દાવા, દસ્તાવેજો, પુરાવાઓની સત્યતા પર પણ કોઇ ટિપ્પણી
નહોતી કરી. કેસ બીજીવાર ટ્રિબ્યુનલને મોકલવાનો મતલબ એ નથી કે અરજદારોને નાગરિકતા
મળી ગઇ છે, પરંતુ અર્થ એવું સુનિશ્ચિત કરવાનો છે કે, કોઇ વ્યક્તિને વિદેશી ઘોષિત કરવા જેવો ગંભીર ફેંસલો પૂર્ણપણે નિષ્પક્ષ અને
કાનૂની પ્રક્રિયા હેઠળ લેવો જોઇએ, તેવું સુપ્રીમે જણાવ્યું
હતું. ફોરેનર્સ ટ્રિબ્યુનલ તમામ મામલાઓમાં નવેસરથી સુનાવણી શરૂ કરશે. સુનાવણી
દરમ્યાન પોતાના પહેલાંના આદેશ કે ગુવાહાટી હાઇકોર્ટની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા
વિના સ્વતંત્ર રીતે ફેંસલો લેશે.