• મંગળવાર, 14 જુલાઈ, 2026

ચટપટીવાળા અને રિક્ષાચાલકને લૂંટનારી ત્રિપુટી દબોચાઇ

ભુજ, તા. 13 : બે દિવસ પહેલાં ભુજના ચટપટીવાળાને અને રતિયાની સીમમાં નાગોરના રિક્ષાચાલકને વરધીના બહાને લઇ જઇ બંને શ્રમજીવીને લૂંટી લેવાયાની એ-ડિવિઝન અને માધાપર પોલીસમાં અલગ-અલગ ફરિયાદો દાખલ થઇ છે, જેમાં આ બંને લૂંટને અંજામ આપનારી ત્રિપુટીને માધાપર પોલીસે દબોચી લીધી છે. બંને ફરિયાદમાં `એક સરખી મોડસ ઓપરેન્ડી' અંગેની ઝલક `કચ્છમિત્ર'એ આપી જ હતી. નાગોરના રિક્ષાચાલક સાથે થયેલી લૂંટની ફરિયાદ માધાપર પોલીસ પાસે આવતાં તેમની ટીમે છાનબીન શરૂ કરી હતી. ફરિયાદીની વિગતો પરથી નેત્રમ્ના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. રિક્ષાનો પીછો કરતી એક્ટિવા અને ચાલકના ફૂટેજ એકત્ર, માનવીય સંદર્ભો પાસેથી માહિતી એકત્ર કરી પ્રથમ બે અને પૂછતાછમાં બાદમાં એ-ડિવિઝન પોલીસ મથકે ચટપટીવાળા સાથે થયેલી લૂંટના અન્ય એક આરોપીને દબોચી લીધા હતા, જેમાં નરેશ રમેશભાઇ કોલી (રહે. ગણેશનગર-ભુજ) તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી આદરી છે. આ કામગીરીમાં માધાપરના પી.આઇ. એ. કે. જાડેજા, હે.કો. મહિપાલસિંહ ગોહિલ, વશરામભાઇ હડિયલ, ભરતકુમાર ગોસ્વામી, કોન્સ. માધવરાજસિંહ ઝાલા તથા બ્રિજેશ યાદવ સાથે જોડાયા હતા. નોંધનીય છે કે, નાની ઉંમરના યુવકો મોજશોખ ખાતર આવા શ્રમજીવીઓને નિશાન બનાવી લૂંટ ચલાવતા હતા. નાની રકમ ગઇ હોવાથી આવા શ્રમિકો ફરિયાદ કરવાનું ટાળતા હોય તેનો ગેરલાભ લઇ આવા લુખા તત્ત્વો તેઓને નિશાન બનાવતા હોવાનું સામે આવ્યું છે. એક સરખી મોડસ ઓપરેન્ડીવાળી બે ફરિયાદનાં પગલે પોલીસે પગેરું દબાવી આરોપીને ઝડપી પાડયા છે.

Panchang

dd