ગાંધીધામ, તા. 13 : ચોમાસાની સિઝનમાં પાણીજન્ય રોગચાળો માથું ઊંચકે તેવી ભીતિ રહે છે અને ઘણા વિસ્તારોમાંથી
કેસ પણ સામે આવે છે તે વચ્ચે જરૂરિયાત પડે તો સુપર ક્લોરીનેશન કરવાની સૂચના
આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર બી.ડી. દવેરાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, આરોગ્ય
અધિકારી ડો. દિનેશ સુતરિયા, રામબાગના ડો. હરેશ મટાણી,
વિનોદભાઈ ગેલોતર, મુરૂભા જાડેજા તેમજ મેડિકલ
ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા. કમિશનરે પાણીજન્ય રોગચાળાની ચર્ચા દરમિયાન ઝાડા, ઊલટી, કમળો, કોલેરા, ટાઈફોઈડ સહિતના રોગચાળાને અટકાવવા માટે
પીવાનાં પાણીનું ક્લોરીનેશન ટેસ્ટ કરવા અને ક્લોરીનેશન કરવા તેમજ જરૂર પડે
તો સુપર ક્લોરીનેશન કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત પાણીના લીકેજો દૂર કરવા,
વાલ્વ હોય ત્યાં સાફસફાઈ રાખવી અને લીકેજ ન થાય તેની તકેદારી રાખવા
માટે કહ્યું હતું. બરફના કારખાનાં, રેસ્ટોરેન્ટ, હોટેલો, નાસ્તાની લારીઓ તેમજ ફૂડની ગુણવત્તાની
નિયમિત ચકાસણી, સ્ટાફની મેડિકલ તપાસ, સ્વચ્છતાના
ધોરણોનું પાલન થાય તે માટેની સૂચના આપી હતી.
ચાંદીપુરાના
લક્ષણો દેખાય તો આરોગ્ય વિભાગને જાણ કરવી
તબીબોએ
ચાંદીપુરા રોગ અંગે જણાવ્યુ કે, સેન્ડફ્લાયથી થાય છે,
જે ઘરની અંદર પાકી કે કાચી દીવાલમા રહે છે. પશુઓના વાડા કે ખેતરના
ખૂણા, માટીની દીવાલ અને લીંપણવાળાં ઘરોની તિરાડમાં રહે છે,
જે સામાન્ય માખી કરતાં ચારગણી નાની હોય છે. મચ્છરની જેમ ઈંડાં મૂકે
છે. સામાન્ય રીતે 0-14 વર્ષનાં બાળકો રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી આ
જોવા મળે છે. બાળકને સતત વધુ પડતો તાવ, ઝાડા, ઊલટી, ખેંચ આવવી, અર્ધ બેભાન
કે બેભાન થવું એ લક્ષણો છે. અટકાયતી પગલાં તરીકે દીવાલની તિરાડ અને છીદ્રો પૂરવા,
ઘરમાં હવા-ઉજાસ અને સૂર્યપ્રકાશ રહે તેવી વ્યવસ્થા કરવી, બાળકોને મચ્છરદાનીમાં સૂવડાવવાં, બાળકો ખુલ્લા શરીરે
ઘરની બહાર કે આંગણામાં ન રમે અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો અને આરોગ્ય
વિભાગને જાણ કરવા માટે કહેવામાં આવ્યું હતું.