ભુજ, તા. 28 : મહારાષ્ટ્રના ભીવંડીથી એક્સપાયરી
ડેટ થઈ ગયેલા અખાદ્ય એવા નવ ટન લોટ જેની કિંમત રૂા. 5.18 લાખ સાથે ટ્રકચાલક ભુજના યુવાન
સહિત બેને ભીવંડી ખાતે જ ઝડપી લેવાયા છે. આ અખાદ્ય લોટ ભીવંડીથી ભુજ આવતો હોવાની માહિતી
મળી છે. આ અંગે મળેલી જાણકારી મુજબ મહારાષ્ટ્રના થાણા જિલ્લાના ભીવંડી ખાતે મહારાષ્ટ્ર
ખાદ્ય અને ઔષધ નિવારણ તંત્રને મળેલી બાતમીના આધારે ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વિભાગના
મદદનીશ કમિશનર સંતોષ સરોસિયા અને તેમની ટીમ દ્વારા ભીવંડી ખાતે જીજે-39-ટીએ-6827 નંબરની ટ્રકને
આંતરી આ ટ્રકની તલાશી લેવાતાં તેમાંથી રૂા. 5.18 લાખની કિંમતનો નવ ટન એક્સપાયરી ડેટ થઈ ગયેલો લોટનો જથ્થો ઝડપાયો
હતો. આ મામલે ખાદ્ય અને ઔષધ નિયંત્રણ ટીમ દ્વારા ટ્રકચાલક ફારૂક જુસબ ખલીફા (રહે. ભુજ)
તથા આ એક્સપાયર થયેલા લોટનો જથ્થો ભરી આપનાર દલાલ ફરહાન મુકિમ અન્સારી (રહે. ભીવંડી)ને
પકડી પાડવામાં આવ્યો હતો. સૂત્રોમાંથી મળતી
માહિતી પ્રમાણે લોટના આ અલગ-અલગ બ્રાન્ડ ધરાવતા થેલામાં પેક થયેલો જથ્થો એક્સપાયરી
ડેટ હતો અને તે ભુજ મોકલવા માટે ટ્રકમાં ભરવામાં આવ્યો હતો. ખાદ્ય અને ઔષધ નિયંત્રણ
વિભાગ દ્વારા આ અંગે બંને આરોપીઓ સામે ઔષધ નિયંત્રણ એક્ટ હેઠળ ગુનો નોધી આગળની તપાસ
હાથ ધરવામાં આવી છે. પકડાયેલ ટ્રકચાલક આરોપી ભુજના ફારૂકની ઘનિષ્ઠ પૂછપરછ કરી આ જથ્થો
ભુજમાં કોને-કોને આપવાનો હતો અને અગાઉ તેણે આવો જથ્થો ભુજ કચ્છમાં ક્યાં-ક્યાં પહોંચાડયો
છે તે અંગે પૂછતાછ હાથ ધરાઇ છે.