• શુક્રવાર, 19 જૂન, 2026

ગાંધીધામના કસ્ટોડિયલ ડેથ મુદ્દે માનવ અધિકાર આયોગે રાજ્યના મુખ્ય સચિવ સામે વોરંટ જારી કર્યું

ગાંધીધામ, તા. 18 :  ગાંધીધામના વર્ષ 2021ના  એ-ડિવિઝન પોલીસ મથકના  કસ્ટોડિયલ ડેથના કેસમાં મૃતકના વારસદારને વળતર ચૂકવવા આયોગના આદેશ છતાંય અમલીકરણ ન કરાતાં રાજ્યના મુખ્ય સચિવ સામે  વોરંટ જારી કરવામાં આવતાં ચકચાર પ્રસરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ગત વર્ષ 2021માં  ઓ-ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કસ્ટડીમાં દામજી મીઠુભાઈ સીજુનું મોત નીપજ્યું હતું. પોલીસે તેમને અટકાયતમાં લીધા બાદ પોલીસ મથકમાં ઉપરથી ઝંપલાવ્યું હતું. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન  તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે કોંગી અગ્રણી ડો. રમેશ એલ. ગરવા દ્વારા વર્ષ 2021માં જ વારસદારને વળતર આપવા મુદ્દે આયોગમાં ફરિયાદ કરવામાં  આવી હતી. આયોગની તપાસમાં  પોલીસે કસ્ટડીમાં લીધા હોવાનું  અને પોલીસના ડરથી ઝંપલાવ્યું હતું. આ અંગેની સુનાવણીમાં  આયોગ દ્વારા ગત 18 જાન્યુઆરી, 2025માં  રાજ્યના મુખ્ય સચિવને નોટિસ  જારી કરવામાં આવી હતી અને  આઠ અઠવાડિયાંમાં મૃતકના વારસદારને  પાંચ લાખનું વળતર કેમ ન આપવું તેનો ખુલાસો કરવા જણાવાયું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા તપાસમાં કોઈ  ગુનાહિત ગેરવર્તણૂકના પુરાવા મળ્યા ન હોવાનું જણાવી  ભલામણ કરાયેલાં વળતરનો વિરોધ કરાયો હતો. રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ જવાબ બાકી હોવાથી ગત 12-11-2025ના અંતિમ તક આપવામાં આવી હતી.  આયોગ   દ્વારા તક આપવા છતાંય  કમિશનના નિર્દેશોનો અનાદર કરવા બદલ વળતરના આદેશના અમલ માટે આયોગના જોઈન્ટ રજિસ્ટ્રાર ઈન્દ્રજિતકુમાર દ્વારા મુખ્ય સચિવ સામે આજે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જો રાજ્ય સરકાર બે અઠવાડિયાંમાં  પાંચ લાખનું વળતર ચૂકવે તો  વોરંટ અમલમાં મૂકવામાં  આવશે  નહીં.  

Panchang

dd