• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામમાં ભંગારના વાડામાં આગથી દોડધામ

ગાંધીધામ, તા. 20 : શહેરના ભારત નગર  પાછળ આવેલી ઔદ્યોગિક વસાહતમાં આજે  સવારના  અરસામાં ભંગારના વાડામાં આગજનીના બનાવથી ભારે દોડધામ થઈ પડી હતી. વિકારાળ આગના બનાવનાં પગલે આસપાસના લોકોમાં ભય પ્રસર્યો હતો. આ બનાવમાં વ્યાપક નુકસાનીનો અંદાજ લગાવાઈ  રહ્યો છે. આ અંગે મળતી વિગતો મુજબ  ગાંધીધામના વોર્ડ 6 વિસ્તારમાંઆવેલા દીપક ઈમ્પેક્ષ ભંગારના વાડામાં બપોરે 12 વાગ્યાના અરસામાં  શોર્ટ સર્કિટનાં કારણે આગ ભભૂકી  ઊઠી હતી. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ પ્રસર્યો હતો.નજીકમાં જ આવેલા એક મકાનમાંથી સામાન અન્યત્ર ખસેડવાની પણ કવાયત  કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ગાંધીધામ મહાનગરપાલિકા,અંજાર નગરપાલિકા, ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરટિમ્બર એસોસીએશનના અગ્નિશમન દળો દ્વારા ત્વરિત પાણીનો મારો ચલાવીને આગને  કાબૂમાં લેવાઈ હતી.  આગ ઉપર થોડા કલાકોમાં જ  કાબૂ મેળવી લેવાયો હતો. આખો ભંગારનો શેડ આગની ઝપટમાં આવી ગયો હતો. શેડ અને અંદર રહેલો તમામ ભંગાર આગમાં ભસ્મીભૂત થઈ ગયો હતો. જેનાં કારણે લાખોની નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.  સદનસીબે કોઈ જાનહાનિ થઈ  ન હતી.  ભંગારના વાડામાં લાગેલી આગથી આસપાસના વિસ્તારોમાં પણ આગ ફેલાવાનો ખતરો એક તબક્કે ઊભો થયો  હતો. પરંતુ સમયસર ફાયર ફાઈટિંગથી મોટી દુર્ઘટના ટળી હતી.  રિશી શિપિંગ  કંપની દ્વારા પણ ટેન્કર સહિતની વ્યવસ્થા કરવામાં  આવી હતી. બનાવના પગલે  મોટી સંખ્યામાં લોકોનું  ટોળું એકત્ર થયું હતું.  

Panchang

dd