નવી દિલ્હી, તા. 20 : મોહમ્મદ યુનુસની
રવાનગી થતાં જ બાંગલાદેશ અને ભારતના સંબંધોમાં સુધારો દેખાવા લાગ્યો છે. આજે તારીક
રહેમાનની સરકારે એક મોટો નિર્ણય કરતાં અટકાવી દેવામાં આવેલી વિઝા સેવાઓને પુન: બહાલ
કરી દીધી છે. બાંગલાદેશે રાજધાની દિલ્હીમાં પોતાનાં દૂતાવાસમાં ભારતીય નાગરિકો માટે
વિઝાની સેવાને આશરે બે માસ બાદ ફરીથી શરૂ કરી છે. બાંગલાદેશમાં બીએનપીની સરકારે સત્તા
સંભાળ્યા બાદ આ હકારાત્મક પગલું આવ્યું છે. આમ રહેમાનના રાજમાં બન્ને દેશ વચ્ચેના સંબંધો
ફરીથી સુધરે તેવી સંભાવના જોવામાં આવે છે. બાંગલાદેશ બાદ હવે ભારત પણ વિઝાની સવલત પૂર્વવત્
કરે તેવી આશા રાખવામાં આવે છે. ભારત માટેની વિઝા સેવાઓ શુક્રવારથી જ તાત્કાલિક અસરથી
શરૂ કરી દઈને તારીક રહેમાને ભારત સાથે સંબંધોમાં તાણ દૂર કરી સુધારાનો શુભ સંકેત આપ્યો
છે. વિતેલાં વર્ષે ડિસેમ્બરમાં બન્ને દેશોએ વિઝા સેવા બંધ કરી નાખી હતી. જો કે, બિઝનેસ અને વર્ક વિઝાને એ પાબંદીમાંથી મુક્ત
રખાયા હતા. ભારતે પણ ગઈકાલે ગુરુવારે પાડોશી દેશ માટે વિઝા સેવા પુન: શરૂ કરવાની તૈયારીનું
એલાન કર્યું હતું. દરમ્યાન સિલહટમાં ભારતના વરિષ્ઠ રાજદ્વારી અધિકારી અનિરુદ્ધ દાસે
બેય પાડોશી દેશ વચ્ચે સરળ યાત્રાને સમર્થન પ્રત્યે ભારત વતી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી
હતી.