• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

વૃક્ષ પર ઊંધા લટકતા ચામાચીડિયા પ્રકૃત્તિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

કોટડા (ચકાર), તા. 20 : ભુજ તાલુકાનાં પદ્ધર ગામે તળાવ કિનારે આવેલાં  વડનાં  વૃક્ષ પર છેલ્લા કેટલાંક સમયથી મોટી સંખ્યામાં ચામાચીડિયા લટકતાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે રાત્રિચર માનવામાં આવતા ચામાચીડિયા દિવસ દરમિયાન વૃક્ષની ડાળીઓ પર ઊંધા લટકીને આરામ કરતા નજરે પડે છે, જે દ્રશ્ય ગ્રામજનો અને પસાર  થતા લોકોને આકર્ષિત કરી રહ્યું છે. જાણકારોના જણાવ્યા મુજબ વૃક્ષ પર દેખાતા ચામાચીડિયા ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ (ભારતીય ફળખાઉ ચામાચીડિયા) હોવાનું અનુમાન છે. આ પ્રજાતિ કદમાં મોટી હોય છે અને સામાન્ય રીતે ફળો, ફૂલનો રસ અને નરમ પાંદડાં ખાય છે. ચામાચીડિયા પ્રકૃતિ માટે લાભદાયક માનવામાં આવે છે. તેઓ બીજ વિખેરવામાં અને પરાગસંચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેનાં કારણે જંગલ અને બગીચાઓની વૃદ્ધિમાં સહાય મળે છે. પર્યાવરણપ્રેમીઓ કહે છે કે, આવા પ્રાણીઓની હાજરી સ્વસ્થ પર્યાવરણનું  સૂચક છે.  સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ચામાચીડિયા વડના ઘન છાયાવાળા વૃક્ષ પર ટોળામાં લટકેલા રહે છે. તળાવની નજીક અનુકૂળ વાતાવરણ મળતું હોવાથી ચામાચીડિયા માટે આ સ્થાન નિવાસસ્થાન બન્યું છે. આ ચામાચીડિયાનું ટોળું અહીં નિયમિત રીતે વસવાટ કરી રહ્યો છે. સવારે સૂર્યોદય પછી વડની મજબૂત અને ફેલાયેલી ડાળીઓ પર ઊંધા લટકી જાય છે. સાંજ પડતાં જ ટોળામાં ઉડીને આસપાસના વિસ્તારોમાં ખોરાકની શોધમાં નીકળી જાય છે, તેમ ઉમેર્યું હતું. પદ્ધર ગામે જોવા મળતું આ દ્રશ્ય પ્રાકૃતિક વૈવિધ્યતાનું પ્રતાબિંબ બની રહ્યું છે અને પ્રકૃતિપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

Panchang

dd