નલિયા, તા. 20 : અબડાસા તાલુકાના કોઠારા જૂથ
ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં
ગામના સર્વાંગી વિકાસના મુદ્દાઓ સાથે વર્ષોથી પેચીદો બનેલો ગૌચર અને સરકારી જમીન પરનાં
દબાણનો મુદ્દો કેન્દ્રસ્થાને રહ્યો હતો. પંચાયત હસ્તકની અંદાજિત 950 એકર ગૌચર જમીન પૈકી 90 ટકા જેટલી જમીન પર દબાણકારોએ
કબજો જમાવી દીધો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતાં પંચાયત તંત્ર દ્વારા આ મામલે આકરું
વલણ અપનાવી દબાણો દૂર કરવા રણાશિંગું ફૂંકાયું છે. કોઠારા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા
કોઠારા, ભેદી અને પૈયાની સીમમાં આવેલી ગૌચર,
શ્રી સરકાર અને ફોરેસ્ટ (જંગલ ખાતા) હસ્તકની જમીનો પર થયેલાં મોટાપાયે
દબાણો અંગે ગ્રામસભામાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ,
રેવન્યૂ રેકોર્ડ અને 7/12ના ઉતારામાં જે જમીન ગૌચર તરીકે નોંધાયેલી છે છતાં ત્યાં ખાનગી
કબજાઓ થઈ ગયા છે તેવા તમામ દબાણકારોને પંચાયત દ્વારા ટૂંક સમયમાં કાયદેસરની નોટિસ ફટકારવામાં
આવશે. આ અંગે કોઠારાના સરપંચ પ્રેમિલાબેન ટી. પરગડુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું
કે, ગૌચરની 950 એકર જમીનમાંથી 90 ટકા દબાણ હેઠળ છે તે ચિંતાનો
વિષય છે. પંચાયત હવે રેકોર્ડ તપાસીને દબાણકારો સામે કડક કાર્યવાહી કરશે અને ગૌચર ખુલ્લું
કરાવવા પ્રક્રિયા હાથ ધરશે. માત્ર ખાનગી દબાણકારો જ નહીં, પરંતુ જંગલ ખાતાને ફાળવવામાં આવેલી જમીન બાબતે
પણ પંચાયત દ્વારા હિસાબ માગવામાં આવશે. જંગલ ખાતાને કેટલા વર્ષ માટે જમીન સોંપવામાં
આવી છે, આટલા વર્ષો દરમિયાન તે જમીન પર વિભાગ દ્વારા કયા પ્રકારની
કામગીરી કે વનીકરણ કરવામાં આવ્યું છે અને તેનાથી ગ્રામ્ય સ્તરે શું ફાયદો થયો,
તેની સત્તાવાર માહિતી પંચાયત દ્વારા માગવામાં આવનારી છે. જો કે,
સિક્કાની બીજી બાજુએ એક સવાલ એ પણ ઊઠી રહ્યો છે કે શું પંચાયત ખરેખર
આ દબાણો દૂર કરાવી શકશે? અગાઉ પણ અબડાસા સહિત જિલ્લાની અનેક પંચાયતોએ
ગૌચર મુદ્દે ગ્રામસભામાં ગરમાગરમ ચર્ચાઓ કરી છે અને દબાણ હટાવવાના ઠરાવો પસાર કર્યા
છે, પરંતુ સમય જતાં આ ઠરાવો પંચાયતના દફતરે જ દબાઈ જતા હોય છે.
કોઠારા ગ્રામ પંચાયતની આ કાર્યવાહી ખરેખર ગૌચર જમીન ખુલ્લી કરાવશે કે પછી આ માટિંગો
અને ચર્ચાઓ માત્ર કાગળ પર જ સીમિત રહી જશે તે જોવાનું રહ્યું. પંચાયત હિંમત બતાવીને
ગૌચર ખાલી કરાવે છે કે પછી દર વખતની જેમ માત્ર ઔપચારિક કાર્યવાહી કરીને સંતોષ માને
છે તેના પર ગ્રામજનોની મીટ મંડાયેલી છે.