• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

પર્યાવરણીય ફેરફારો સામે હવે જાગી જવાનો સમય

ભુજ, તા. 20 : પર્યાવરણીય બદલાવ એટલે કે, ક્લાઈમેટ ચેન્જ એ વૈજ્ઞાનિકો અને વિચારકો વચ્ચે ચર્ચાનો નહીં પરંતુ સામાન્ય નાગરિકને સ્પર્શતો મુદ્દો છે અને લોકો પણ હવે પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારનો અનુભવ કરી રહ્યા છે. ક્લાઈમેટ ચેન્જ એ માત્ર કચ્છ, ગુજરાત કે ભારતની જ નહીં, સમગ્ર વિશ્વ સામે પડકાર છે અને હવે વિચારણાનો નહીં, પરંતુ સાથે મળીને અમલ કરવાનો સમય આવી ગયો છે, એમ `ગાઈડ' તરીકે જાણીતી ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા `પર્યાવરણ પરિવર્તન અને આજીવિકા પરિદૃશ્ય' વિષયે આયોજિત રાષ્ટ્રીય કક્ષાના મંથન સમા સેમિનારના આરંભે તજજ્ઞોએ જણાવ્યું હતું. શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં આયોજિત બે દિવસીય સેમિનારના પ્રારંભે ગાઈડના અધ્યક્ષ અને નિવૃત્ત આઈએએસ વી.એસ. ગઢવીએ પર્યાવરણ પરિવર્તન વિશે ચિંતા વ્યક્ત કરતાં સમસ્યાની ગંભીરતા ઉપસ્થિતો સમક્ષ મૂકી હતી. તેમણે ખેતીવાડી અને દરિયાઈ પટ્ટીથી માંડીને સમગ્ર જનજીવનને ક્લાઈમેટ ચેન્જ કઈ રીતે સ્પર્શે છે તે જણાવવાની સાથે ગાઈડની ભૂમિકા વર્ણવી હતી. કાર્યક્રમના આયોજક સચિવ ડો. રચના ચંદ્રાએ આવકાર સંબોધનમાં બે દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું મહત્ત્વ રેખાંકિત કર્યું હતું. આ પ્રસંગે `ટ્રીઝ ઓફ કચ્છ' પુસ્તકનું મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. બરકતુલ્લાહ યુનિવર્સિટી ભોપાલના પૂર્વ કુલપતિ અને નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડના કમિટી મેમ્બર ડો. આર.જે. રાઓએ ક્લાઈમેટ ચેન્જના સામનામાં ઈકો ટૂરિઝમ કઈ રીતે એક ચાવીરૂપ સાધન બની શકે તેના પર વિસ્તારથી સમજાવટ આપી હતી.  આ પહેલાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય સાથે પરિષદનો આરંભ કરવામાં આવ્યો હતો.  આજે દિવસભરમાં બે સત્ર દરમ્યાન ક્લાઈમેટ ચેન્જ અને ડ્રાયલેન્ડ ઈકોસિસ્ટમ અને પર્યાવરણીય બદલાવમાં સમુદાયોની સ્થિતિસ્થાપકતા અને આર્થિક તકો પર ગંભીર મંથન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. રાઓ, ગાઈડના આસિસ્ટન્ટ નિર્દેશક ડો. કે. કાર્તિકેયન, ગાઈડના વરિષ્ઠ સાઈન્ટિફિક ઓફિસર ડો. કૃષ્ણકાંત બક્ષીના વડપણ હેઠળ પહેલાં સત્રમાં શ્રૃષ્ટિ કન્ઝર્વેશન ફાઉન્ડેશન પૂણેના એમ.ડી. દીપક આપ્ટેએ ગુજરાતનું ગૌરવ, વૈશ્વિક જવાબદારી અને સલામતીની પ્રતિબદ્ધતા વિશે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન આપ્યું હતું. આ સત્રમાં શ્રી આપ્ટે સિવાય કોઈમ્બતુરના ઝૂ આઉટરિચના અધ્યક્ષ ડો. આર.વી. સંજય મોલૂર અને નવી દિલ્હી સ્થિત સીઈઈડબલ્યુના નીતિન બસ્સીએઁ પર્યાવરણીય બદલાવની સ્થિતિમાં દેશના પાણી સંકટ પર પ્રકાશ પાડયો હતો. બીજા સત્રમાં ઉત્તરાખંડના પ્રાધ્યાપક ડો. આર. પાર્થસારથિના અધ્યક્ષપદે તેમજ ગાઈડના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. બી. બાલાજી પ્રસાદ તેમજ ડો. કપિલકુમાર ઈંગ્લેના વડપણ હેઠળ વેલસ્પનના ઉપાધ્યક્ષ ડો. કે.ટી. રમેશકુમારપાવરટેક  ગ્રુપના અધ્યક્ષ કિશોરસિંહ ઝાલા, ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેવલપમેન્ટ (જીઆઈડીઆર)ના પૂર્વ નિર્દેશક ડો. એન. લલિતા, ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સના ડો. રવિ યાદવ અને કચ્છ યુનિના આસિસ્ટન્ટ પ્રા. ડો. સીમા બી. શર્માએ વિવિધ વિષયો પર સંશોધનાત્મક વકતવ્ય આપ્યા હતા. સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાઈડના નિર્દેશક વી. વિજયકુમાર, કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd