ગાંધીધામ, તા. 20 : ભચાઉ તાલુકાના ખારોઇ નજીક આવેલી
કંપનીમાંથી એલસીબીએ અગાઉ જપ્ત કરેલ ખાતર સબસિડીવાળું
ખેડૂતો માટેનું હોવાનું ફલિત થતાં આ અંગે પોલીસે ગુનો દર્જ કર્યો હતો. ખારોઇ નજીક આવેલી
તીર્થ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી ગત તા. 4/1ના એલસીબીએ કાર્યવાહી કરી હતી. અહીંથી પિકઅપ ડાલુ નંબર જી.જે.-12- વાય-3470માં ભરેલ યુરિયા ખાતરની 19 તથા બોઇલર જેવા મશીન પાસે પડેલ
31 એમ 50 થેલી તથા પીળા રંગની થેલીમાંથી
સફેદ રંગની થેલીમાં ભરાયેલ 20 બેગ જપ્ત
કરવામાં આવી હતી. આ પીળા રંગની બેગ ઉપર પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના ભારત યુરિયા, નીમ કોટેડ, કૃષિ ઉપયોગ
કે લીયે વગેરે લખાણ હોવાનું બહાર આવ્યું હતું. શંકાસ્પદ આ ખાતરના નમૂના લઇ પૃથક્કરણ
અર્થે જૂનાગઢ ખાતે મોકલવામાં આવ્યા હતા, ત્યાંથી અભિપ્રાય આવ્યો
હતો આ ખાતર ખેતીકામમાં ઉપયોગમાં લેવાનું સબસિડીવાળું રાસાયણિક ખાતર નીમકોટેડ યુરિયા
હોવાનું ફલિત થયું હતું. પોલીસે વાહનચાલક મોમાયા વેરા ઉંદરિયા (આહીર), કંપનીના ઓપરેટર મહંમદ તસલીન, તૈયબઅલી અંસારી,
માલ મોકલનાર દુકાનદાર ભરત ભૂરા વરચંદ (આહીર), કંપનીના
મેનેજર સિધિક હુસેન ખત્રી અને કંપનીના માલિક
ભાવેશ મનસુખ મહેતા સામે ગુનો દર્જ કર્યો હતો. તેવામાં પડાણા, મીઠીરોહરમાં આવેલા અમુક વાડાઓમાં પણ બિન્ધાસ્ત, બેખોફ
આવી રીતે અન્ય જિલ્લા કે રાજ્યમાંથી યુરિયા ખાતર આવતું હોવાનું અને ખેડૂતોના હક્કનું
ખાતર કંપનીના અમુક શખ્સો ચાંઉ કરી જતાં હોવાનું બહાર આવ્યું હતું. તે દિશામાં પણ કડક
વલણ અપનાવવા ખેડૂતોમાં માંગ ઊઠી હતી.