• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ધ્રુજારી શરૂ, બે અધિકારી અને ત્રણ પોલીસ કર્મચારી કરાયા સસ્પેન્ડ

ભુજ, તા. 20 : સ્થાનિક પોલીસ બેડાંમાં હડકંપ મચાવનારા સ્ટેટ મોનિટરિંગ સેલના ગુણવત્તાસભર દરોડાની ધ્રુજારી આકરાં પગલાં સ્વરૂપે આરંભાઈ ચૂકી છે. દરોડાના પગલે મોડી સાંજે પદ્ધર પોલીસ મથકના પીઆઈ અને ઈન્ચાર્જ પીઆઈ એવા પીએસઆઈ તથા ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે, જ્યારે પદ્ધરના ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી અને એલસીબીના પીઆઈ તથા પીએસઆઈને લીવ રીઝર્વમાં મુકાયા છે. રાજ્યના પોલીસવડા શનિવારે કચ્છની ખાસ મુલાકાતે આવી રહ્યા છે ત્યારે એસએમસીએ પદ્ધર પોલીસ મથકની હદમાં આવતા વડવાળામાં દરોડો પાડી રૂા. 4 કરોડથી વધુની કિંમતના શરાબનો જથ્થો ઝડપી પાડયા બાદ સ્થાનિક પોલીસ પર કોરડો વીંઝાશે તેવી શક્યતા વચ્ચે રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ પદ્ધર પીઆઈ એ.જી. પરમાર, ઈન્ચાર્જ પીઆઈ એવા પીએસઆઈ વાય. એસ. ઝાલાને સસ્પેન્ડ કર્યા હતા. તે ઉપરાંત સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજા, એઅસઆઈ મહિપાલસિંહ નરેન્દ્રસિંહ, બીટ જમાદાર હેડ કોન્સ્ટેબલ નીલેશ પૂનમાભાઈને પણ સસ્પેન્ડ કરાયા હતા. જ્યારે પદ્ધર ડી સ્ટાફના અન્ય હેડ કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં, તો સ્થાનિક ગુનાશોધક શાખાના પીઆઈ એ. એમ. મકવાણા અને પીએસઆઈ જે. બી. જાદવની લીવ રીઝર્વમાં બદલીના આદેશ કરાયા હતા. 

Panchang

dd