ભુજ, તા. 20 : છેલ્લા ત્રણેક મહિનાની વ્યાપક
કાર્યવાહી, વિવિધ પ્રસંગોનાં આયોજનનું
ગઠન અને કચ્છ તથા બૃહદ કચ્છના બહોળા પ્રવાસ કાર્યક્રમ સહિતના વ્યાપક વ્યાયામનાં પગલે
સાકાર બનેલા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ આયોજિત 40મા સમૂહલગ્નનો આવતીકાલથી પ્રારંભ થશે. તા.
21 અને 22 શનિ-રવિવારે આ અંતર્ગત બે દિવસીય
આ આયોજન તળે પારંપરિક ઉજવણી કરાશે, જેમાં સહભાગી થવા માટે જિલ્લા બહારથી સંખ્યાબદ્ધ રઘુવંશી પરિવારો ભુજ પહોંચ્યા
છે. આ શહેરના પાદરમાં સેડાતા સ્થિત ધી વિલા ખાતે સમૂહલગ્ન માટે વિશાળ શમિયાણો તૈયાર
કરાયો છે. આવતીકાલથી શરૂ થઈ રહેલા બે દિવસીય વિવિધ કાર્યક્રમોની તમામ તૈયારીઓને અંતિમ
ઓપ અપાઈ રહ્યો છે, તો વિવિધ વ્યવસ્થાની જવાબદારી ગ્રુપ અને તેની
મહિલા અને યુવા તથા વિવિધ તાલુકા એકમની ટીમો સંભાળી રહી છે. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ
ગ્રુપ દ્વારા આ અગાઉ 39 સમૂહલગ્ન સંપન્ન કરેલા છે,
તો આ 40મા સમૂહલગ્ન
ગ્રુપના ભુજ શહેર એકમના સથવારે ભુજ લોહાણા મહાજનના સાંનિધ્યમાં યોજવામાં આવી રહ્યા
છે. મોટા ગજાના અને અદકેરા એવા આ સામાજિક આયોજનને રઘુવંશી અને અન્ય
સમાજ સાથે કચ્છ અને કચ્છ બહારના વિવિધ મહાજનો ઉપરાંત દાતાઓ, શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિજનોનો અભૂતપૂર્વ કહી શકાય
તેવો સહકાર મળ્યો છે. ગ્રુપના મોવડીઓ અને હોદ્દેદારોના જણાવ્યા મુજબ સૌના સહિયારા પ્રયાસો
અને સહકારનાં કારણે સમગ્ર પ્રસંગને જબ્બર કહી શકાય તેવી ઊંચાઈ મળી છે. આ આયોજન હેઠળ
પોતાનું લગ્નજીવન શરૂ કરનારા વિવિધ સમાજના કુલ 31 યુગલને પ્રત્યેકને સાડા ત્રણ
લાખ રૂપિયાથી વધારેનું કરિયાવર આપવામાં આવશે, જે સામાજિક ક્ષેત્રે સિમાચિહ્નરૂપ બની રહેશે. સાથેસાથે 1008 જગતગુરુની પદવી મેળનારા મોટી
વિરાણીના સંત શાંતિદાસજી મહારાજની રક્તતુલ્લા કરીને તેમની તરફના અહોભાવના ગ્રુપ અને
સમાજ ઓવારણાં લેશે, જ્યારે જ્ઞાતિ
માટે છેલ્લા લાંબા સમયથી અવિરત ઉપયોગી કાર્યો કરનારા વિધાનસભાના અધ્યક્ષ રહી ચૂકેલા
ડો. શ્રીમતી નીમાબેન આચાર્યને સમાજ (રઘુવંશી) રત્નથી વિભૂષિત કરીને તેમની સેવાની પણ
સરાહના કરવામાં આવશે. સંતો, મહંતો, દાતાઓ,
શ્રેષ્ઠીઓ અને જ્ઞાતિજનોની હાજરીમાં લગ્નના વિવિધ પ્રસંગો પરંપરાગત રીતે
યોજાશે. સાથેસાથે વિરાટ જ્ઞાતિ સંમેલન સાથે નાશિક અને પુનાના ઢોલના સથવારે નીલેશ ગઢવી
સહિતના વિવિધ કલાકારો ગીત-સંગીત અને ભક્તિરસની રમજટ બોલાવશે.જ્ઞાતિના સંત શિરોમણિ જલારામ બાપાનાં જીવનચરિત્ર- આખ્યાયનની રજૂઆત હિનાબેન ઠક્કરની આગેવાની તળે મુંબઈથી
આવેલા મહિલા મંડળના 35 સભ્યો દ્વારા
કરવામાં આવશે. સાંજે સંધ્યાપાઠ કાર્યક્રમમાં વાંઢાયના જીતુ ભગત ભક્તિરસ સાથે ભાવિકોને ભીંજવશે, જ્યારે
વરરાજાઓના નીકળનારા વરઘોડામાં ઘોડાઓ અને બગીઓ સાથેની પેશકશ આકર્ષણનું કેન્દ્ર
બની રહેશે. - જીવદયા-માનવસેવાનાં
કાર્યો : ગ્રુપ દ્વારા દર વખતની જેમ સમૂહલગ્નની સાથોસાથ
જીવદયા, ગૌસેવા અને માનવસેવા સહિતનાં અનેકવિધ ઉપયોગી
કાર્યો માટેનો તખતો આ વર્ષે પણ ઘડી કાઢયો છે. વિવિધ ગામોમાં ગૌવંશ માટે લીલોચારો મોકલાશે,
તો મોર, કબૂતર, ચકલી અને
શ્વાનો માટે પણ ચણ સહિતની વ્યવસ્થા કરાશે. આ નિમિત્તે સંસ્થા દ્વારા પાણીનાં કૂંડાં
અને ચકલીઘરનું નિ:શુલ્ક વિતરણ પણ કરાશે. આ સેવાકાર્યો હેઠળ જિલ્લાના વિવિધ ધાર્મિક
સ્થાનોને આવરી લેવામાં આવ્યા છે. વિવિધ ગામોમાં પક્ષીઓના ચણ માટે જુવારનાં બાચકાં મોકલવાનું
શરૂ કરી દેવામાં આવ્યું છે. - વિવિધ 150 વસ્તુની ભેટ : સમૂહલગ્નમાં જોડાનારી કન્યાઓ માટે પ્રત્યેકને
નાની-મોટી 150 ઉપયોગી વસ્તુની કરિયાવર તરીકે
ભેટ અપાશે. પ્રત્યેક કન્યાને સાડા ત્રણ લાખ રૂપિયાથી વધુની વસ્તુઓ અપાશે. છેલ્લા કેટલાક
સમયથી ગ્રુપની એ વિશેષતા રહી છે કે, કરિયાવરમાં અપાતી રકમનો આંક દર વખતે આગલાં વર્ષની તુલનાએ વધતો આવે છે. દાતાઓ
અને શ્રેષ્ઠીઓના સહકારથી આ સાકાર બનતું હોવાની ગ્રુપે લાગણી વ્યક્ત કરી હતી. - મહેમાનોનું આગમન શરૂ : બે દિવસીય વિવિધ કાર્યક્રમમાં સહભાગી થવા
કચ્છ અને કચ્છ બહારથી જ્ઞાતિજનો અને મહેમાનોનું આગમન શરૂ થઈ ચૂક્યું છે, જેમના માટે ગ્રુપ દ્વારા ધી વિલા ખાતે જરૂરી
વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કચ્છ બહારથી પણ સંખ્યાબદ્ધ પરિવારો ભુજ પહોંચી આવ્યા
છે કે પહોંચી રહ્યા છે, જેમના માટે જરૂરી વિવિધ વ્યવસ્થા તૈનાત
કરવામાં આવી છે. લગ્નસમારંભ માટે માતા વીરબાઈનગર ખાતે ડોમ સાથે વિશાળ શમિયાણો ઊભો કરવામાં
આવ્યો છે. - રક્તદાન-અંગદાન
જાગૃતિ : સમૂહલગ્નનાં આયોજનની સાથોસાથ મહામૂલા રક્તદાનની
પ્રવૃત્તિને વેગ મળે તથા આ માટે વધુ ને વધુ જાગૃતિ આવે તેવા આશય સાથે આ પાસું પણ ગ્રુપે
વણી લીધું છે. આયોજન દરમ્યાન યુવાઓ અને અન્યો રક્તદાન કરશે, જ્યારે અંગદાનની પ્રવૃત્તિને વેગ મળે તે માટે
જાગૃતિ જગાવતાં વિવિધ આયોજન પણ આવરી લેવા સાથે ગ્રુપે સમાજ પરત્વેના ઉત્તરદાયિત્વ માટે
કટિબદ્ધતા દાખવી છે. - તમામ ટીમ
ખડેપગે તૈયાર : આયોજનને પાર
પાડવા માટે ગ્રુપના મોવડીઓનાં માર્ગદર્શન- રાહબરી હેઠળ મહિલા પાંખ, યુવા બ્રિગેડ અને વિવિધ તાલુકા એકમની ટીમ કાર્યરત
બની ચૂકી છે. વિવિધ હોદ્દેદારો અને જ્ઞાતિજનોને જુદી - જુદી જવાબદારી સોંપવામાં આવી
છે. ગ્રુપના સ્થાપક પ્રમુખ જેન્તીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા) અને માજી પ્રમુખ વસંતભાઈ
કોડરાણી અને પંકજભાઈ ઠક્કર, કચ્છ લોહાણા મહાજનના પૂર્વ અધ્યક્ષ
બળવંતભાઈ ઠક્કર અને ભુજ લોહાણા મહાજનના અધ્યક્ષ ડો. મુકેશભાઈ ચંદેનાં માર્ગદર્શન તળે
ગ્રુપના વર્તમાન પ્રમુખ જયેશ જમનાદાસ સચદે (બાપાદયાળુ) અને તેમની ટીમ સહિતના સંબંધિતો
બાગડોળ સંભાળી રહ્યા છે. - સંતની વંદના
સાથે આમંત્રણ : સમૂહલગ્નનાં
બે દિવસીય આયોજનને વિવિધ સંતો-મહંતો તથા રાજકીય-સામાજિક આગેવાનોનું સાંનિધ્ય મળી રહેશે.
તાજેતરમાં મુંબઈ ખાતે દાતા કમલેશભાઈ અને કિરણભાઈ મામોટિયા અને જયેશભાઈ ગણાત્રા પરિવારના
મહિલા સદસ્યોએ ટપ્પરવાળા સંત સ્વામી આનંદ સરસ્વતીજીને નિમંત્રણ પાઠવીને તેમની વંદના
કરી હતી. આ પ્રસંગે મહિલા મંડળના સદસ્યો સાથે જોડાયા હતા. - પુના ઢોલ કરશે જમાવટ : સમૂહલગ્ન
અંતર્ગત આવતીકાલે શનિવારે રાત્રે યોજાનારા દાંડિયારાસ તથા અન્ય કાર્યક્રમોમાં નાશિક
અને પુના ઢોલના સથવારે ઢોલીઓ ખેલૈયાઓને ડોલાવશે,
તો સંગીત સંધ્યાના કાર્યક્રમમાં પણ જાણીતા કલાકારો ગીત, સંગીતની પરંપરાગત રમઝટ બોલાવશે. આ પ્રકારના સાંસ્કૃતિક-ધાર્મિક કાર્યક્રમો
આયોજનનું આકર્ષણ બની રહેશે. ખાસ કરીને માતા વીરબાઈ ધારણ કરતા હતા તેવા પોશાક સાથે રઘુવંશી
મહિલાઓની આ પ્રકારના કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેશે - રક્તતુલ્લાનાં
માધ્યમથી સંતની સેવાનાં ઓવારણાં : 40મા સમૂહલગ્ન અંતર્ગત રઘુવંશી લોહાણા જ્ઞાતિ સાથે નજીકથી જોડાયેલા
રવિભાણ સંપ્રદાયના સંત મોટી વિરાણીના શાંતિદાસજી મહારાજની રક્તતુલ્લા કરીને તેમની તરફનો
અહોભાવ પ્રદર્શિત કરાશે. મોટી વિરાણી રામમંદિરના મહંત સંત શાંતિદાસજી મહારાજને પ્રયાગરાજ
ખાતેના મહાકુંભમાં જગતગુરુ અને 1008ની પદવીથી
વિભૂષિત કરાયા તે અન્વયે સમાજ તેમની રક્તતુલ્લા કરી પોતાનો ભાવ દર્શાવશે. જતાવીરા ગામે
ખેડૂત પરિવારમાં જન્મ લેનારા શાંતિદાસજી મહારાજે સાત વર્ષની વયે પોતાને ગુરુસેવામાં
સર્મપિત કર્યા હતા. વિ.સં. 2044માં તેમને
મહંત પદે આરૂઢ કરાયા હતા. આ દરમ્યાન સેવા અને ભક્તિનાં કાર્યો તેમના દ્વારા અવિરત રહ્યાં
છે. - ડો. નીમાબેનનું
થશે સમાજરત્ન સાથે વિશેષ સન્માન-બહુમાન : અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપની સ્થાપ્નાથી લઈને આજસુધી જ્ઞાતિના
અગ્રણી એવા ડો. શ્રીમતી નીમાબેન ભાવેશભાઈ આચાર્યનો નાતો ગ્રુપ સાથે કાયમ રહ્યો છે.
ગ્રુપ અને જ્ઞાતિને સહકાર અને અન્ય લોકોપયોગી કાર્યોની સરાહનાના સ્વરૂપે ગ્રુપ આ મહિલા
આગેવાનને રઘુવંશી (સમાજ) રત્નથી વિશેષ સન્માનિત કરશે. પહેલા અબડાસા અને બાદમાં અંજાર તથા એ પછી
ભુજ વિભાગના ધારાસભ્ય તરીકે સેવા આપનારા ડો. નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ
મહિલા અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. છેલ્લા ત્રણથી સાડા ત્રણ દાયકા દરમ્યાન તેમણે કરેલાં
ઉપયોગી કાર્યો અને જ્ઞાતિની સેવાને કેન્દ્રમાં રાખીને તેમનું સમાજરત્નથી આ વિશેષ બહુમાન
કરાઈ રહ્યું છે, તેવું ગ્રુપે જણાવ્યું
હતું. - જીવદયા અને
માનવસેવા એ મહાજન પરંપરા : ચંદુમા : સામાજિક આયોજન અંતર્ગત જીવદયા, ગૌસેવા અને માનવસેવાને લગતા વિવિધ કાર્યક્રમો
આવરી લેવા એ ઉચ્ચત્તમ મહાજન પરંપરા હોવાનો ભાવ ગઢશીશા અંબેધામના ચંદુમાએ વ્યકત કર્યો
હતો. સોશિયલ ગ્રુપ દ્વારા થતા આ પ્રકારનાં સેવાકીય કાર્યો માટે પ્રેરક બનેલા ચંદુમાનું
માર્ગદર્શન અત્યાર સુધી અવિરત મળતું આવ્યું છે, તો આ વખતે પણ
આ માટેની તેમની રાહબરી કાયમ રહી છે. તેમની પ્રેરણાથી બે દિવસીય સમૂહ લગ્નોત્સવ અન્વયે
જીવદયા, ગૌસેવા અને માનવસેવાનાં વિવિધ કાર્યો પાર પડાશે.